પોક્સોનો કેસ પાછો ખેંચવા પીડિતાના પિતા પર હુમલો

કારમાં આવેલા આરોપીઓએ હુમલો કરતા નાસભાગઃ નરોડા પોલીસે આરોપીઓને ઝડપી લેવા શરૂ કરેલી કાર્યવાહી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વચ્ચે યુવતિઓની છેડતી તથા બળાત્કારના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહયા છે. કેન્દ્ર સરકારે આવા કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપેલો છે અને પોલીસતંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાનમાં ચાર પાંચ વર્ષ પહેલા નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતિએ બળાત્કાર સહિત પોક્સોનો કેસ નોંધાવ્યો હતો
હાલ કોર્ટમાં આ કેસ પેન્ડીંગ છે ત્યારે ગઈકાલે આ કેસના આરોપીઓએ પીડિતાના પિતા ઉપર હુમલો કરી કેસ પાછો નહીં ખેંચવામાં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી યુવતિઓ પર ના અત્યાચારના કેસોમાં ચિંતાજનક વધારો થતા પોલીસતંત્ર સતર્ક બનેલું છે ખાસ કરીને આવારા અને રોમિયો તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સી ટીમની પણ રચના કરવામાં આવેલી છે. આ દરમિયાનમાં નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
જેમાં નરોડા ખોડિયાર માતાના મંદિરની બાજુમાં આવેલી ઉત્પલ સોસાયટીમાં રહેતા કિરીટ ઈશ્વરભાઈ પટેલ પાનનો ગલ્લો ધરાવે છે અને આ પાનના ગલ્લા પર કિરીટભાઈ પટેલ તથા તેમના ભાઈ દશરથભાઈ પટેલ બેસે છે આ દરમિયાનમાં કિરીટભાઈની પુત્રીએ ર૦૧પના વર્ષમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જેના પગલે પોલીસે પોક્સોનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને હાલમાં આ કેસ ચાલવા ઉપર છે.
આ કેસના અનુસંધાનમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી જેના પગલે આરોપીઓ દ્વારા કેસ પાછો ખેંચવા માટે પીડિતા તથા તેના પરિવારજનો પર સતત દબાણ કરવામાં આવતુ હતું પરંતુ કેસ પાછો નહી ખેંચવા માટે પીડિતા મક્કમ હતી જેના પગલે આરોપીઓ ઉશ્કેરાયા હતાં આ દરમિયાનમાં ગઈકાલે પીડિતાના પિતા કિરીટભાઈ પટેલ બપોરના સમયે રીક્ષા લઈ ગલ્લે જવા નીકળ્યા હતાં ગલ્લો હજી થોડે દુર હતો ત્યાં જ એક ફોરર્ચ્યુનર કાર તેમની રીક્ષા નજીક આવી ઉભી રહી ગઈ હતી
જેના પગલે કિરીટભાઈ નીચે ઉતર્યાં હતાં. કિરીટભાઈ નીચે ઉતરતા જ કારમાંથી પણઆરોપીઓ મહેશ ઉર્ફે બોડો ભરવાડ તથા જયેશ ઉર્ફે નનુ ભરવાડ અને અમિત પ્રકાશભાઈ પટેલ નામના ત્રણ શખ્સો નીચે ઉતર્યાં હતા અને કિરીટભાઈ ઉપર હુમલો કર્યો હતો. આરોપીઓએ કિરીટભાઈને ધમકી આપી હતી કે તેમની વિરૂધ્ધ નોંધાયેલો પોક્સોનો કેસ તાત્કાલિક પાછો ખેંચી લો અને જા કેસ પાછો નહી ખેંચો તો જાનથી મારી નાંખીશુ આ ધમકી બાદ મહેશ ઉર્ફે બોડાએ કારમાંથી લાકડી કાઢી હતી.
કિરીટભાઈ ઉપર હુમલો કરી ફટકા મારતા તેઓ રસ્તા પર પડી ગયા હતાં અને તેમને ઈજાઓ થઈ હતી. આ દરમિયાનમાં ત્રણ આરોપીઓએ હુમલો કરતા કિરીટભાઈએ બુમાબુમ કરી મુકી હતી અને હુમલાની આ ઘટનાથી નાસભાગ પણ મચી ગઈ હતી દરમિયાનમાં કેટલાક લોકો કિરીટભાઈને બચાવવા દોડી આવતા આરોપીઓ હત્યાની ધમકી આપી કારમાં બેસી નાસી છુટયા હતાં. સ્થળ પર એકત્ર થયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.