Western Times News

Gujarati News

રામોલ-હાથીજણ અને બહેરામપુરામાં દબાણો તોડાયા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, હાલ ચોમાસાની સિઝન ચાલુ છે. જો કે, મ્યુનિસિપલ તંત્ર વરસાદની આ ઋતુમાં પણ ગેરકાયદે બાંધકામોને કે ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી દરમિયાન કપાતમાં આવતા બાંધકામોને હટાવવાના મામલે મક્કમતાથી કાર્યવાહી કરી રહ્યું છે.

મ્યુનિ. સત્તાધીશોએ ગઈકાલે શહેરમાં મેગા ડિમોલીશન હાથ ધર્યું હતું અને રમોલ-હાથીજણ તેમજ બહેરામપુરામાં ત્રાટકીને ગેરકાયદે બાંધકામો કરનારા તેમજ ટીપી રોડની કપાતમાં બાંધકામ ધરાવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો.

પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં પ્રિલિમનરી ટીપી સ્કીમ નં.૭૬ (હાથીજણ)માં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુલ પાસેના ચીકાનગરમાંથી પસાર થતાં ૩૦ મીટરના ટીપી રોડમાં કપાતમાં આવતાં ૧પ પાકા રહેઠાણ, છ કોમર્શિયલ તથા એક કાચા શેડને હટાવવામાં આવ્યા હતા.

જેસીબી, બ્રેકર, ખાનગી મજૂરો અને દબાણ વાનની મદદથી આ ઓપરેશન હાથ ધરીને સત્તાવાળાઓએ આશરે ૪૦૦ મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કર્યો હતો. અમરાઈવાડી વોર્ડમાં આવેલા રાધે મોલમાં ગેરકાયદે બનાવાયેલી સીડી તંત્રએ ગેસ કટર, ખાનગી મજૂરો, દબાણ વાનની મદદથી દૂર કરી રૂ.રપ૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

આ ઉપરાંત દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૩૮/ર (દાણીલીમડા સેકટર-ર)ના રેફરન્સ સર્વે ર૦૩ પૈકી હિમાલયા બેકરી રોડ, સરતાજ રો હાઉસની સામે રહેણાંક પ્રકારના આશરે ચાર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા. નૂરાની નાસ્તા હાઉસની ઉપરના આશરે ૧૮૦૦ ચોરસ ફૂટના આ ચાર યુનિટ સામે તંત્રએ કાયદેસર કાર્યવાહી કરી હતી. ત્યારબાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનથી મદ મળતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દસ બ્રેકર, ત્રણ દબાણ ગાડી અને ર૦ ખાનગી મજૂરોની મદથી તેને તોડી પાડવાની કાર્યવાહી કરાઈ હતી.

પૂર્વ ઝોનમાં વિવિધ રોડ પરના ત્રણ શેડ દૂર કરાયા હતા અને ૧૦ લારી, ૭૦ બોર્ડ બેનર અને ૧૩૮ પરચૂરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ વિરાટનગરમાં ચાર વાહનને તાળા મારી રૂ.ર૦૦૦, નિકોલમાં સાત વાહનને તાળા મારી રૂ.૧ર૦૦, અમરાઈવાડીમાં ચાર વાહનને તાળા મારી રૂ.૧૩૦૦, રામોલ-હાથીજણમાં ત્રણ વાહનને તાળા મારી રૂ.૧પ૦૦, ભાઈપુરામાં વાહનને તાળા મારી રૂ.૮૦૦, વસ્ત્રાલમાં ચાર વાહનને તાળા મારી રૂ.૧૮૦૦, ગોમતીપુરમાં બે વાહનને તાળા મારી રૂ.૬૦૦ અને ઓઢવમાં પાંચ વાહનને તાળા મારી રૂ.૧૦૦૦ એમ કુલ ૩૧ વાહનને તાળા મારી તંત્રએ રૂ.૧૦,ર૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.