Western Times News

Gujarati News

વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર

પ્રતિકાત્મક

સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો

(માહિતી) ગાંધીનગર, વર્ષ ૨૦૭૦ સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે.

જુલાઇ ૩૧, ૨૦૨૩ સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક પીએનજી કનેક્શનની સંખ્યા ૩,૦૭૮,૧૬૨ હતી જે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪માં ૩,૨૫૩,૧૭૫ સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં ૫.૬%ના વધારા સાથે કુલ ૧૭૫,૦૧૩ કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે.

વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે ૨૩,૪૪૫ વ્યવસાયિક તેમજ ૫૭૮૬ ઔદ્યોગિક પીએનજી કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.આ ઉપલબ્ધિ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે,

“આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિદ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં ખાસ કરીને ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તેમણે સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કર્યું અને સાથે ગુજરાતને સોલાર પોલિસીની ભેટ આપી. આ તમામ પ્રયત્નો પર્યાવરણની રક્ષા કરવા માટેના હતા.

આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ પ્રયાસોને આગળ વધારી રહ્યા છે. ખાસ એક વાતની નોંધ આપણે લેવી જોઇએ કે છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં પીએનજી કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૭૦ સુધી કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે.

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના  પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં ૧૫૮ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં ય્ય્ન્નું નેટવર્ક ૧૩,૫૧૭ કિલોમીટર હતું જે માર્ચ ૨૦૨૪ સુધી વધીને ૩૪,૮૩૨ કિલોમીટર સુધી પહોંચ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.