Western Times News

Gujarati News

ટ્રેકટરમાં બેસીને ઋષિકેશ પટેલે વરસાદગ્રસ્ત બોરસદની જાત તપાસ કરી

ભારે વરસાદથી અસરગ્રસ્ત બોરસદ શહેરની પ્રભારી મંત્રીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

આણંદ, બોરસદના શહેરી વિસ્તારમાં ગતરોજ ૧૩ ઈંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ વિસ્તારમાં મંત્રી ઋષિકેશ પટેલે ટ્રેકટરમાં બેસીને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સમય ટ્રેકટરમાં તેમની સાથે બોરસદના ધારાસભ્ય અને ગુજરાન વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, કલેકટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર જોડાયા હતા.

મંત્રીએ વન તળાવ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય જેથી ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેમ છતાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.

આ તકે બોરસદ પ્રાંત અધિકારીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું. આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાઉડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત કલોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું.

તેમની મુલાકાત પહેલાં મંત્રીએ બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ગતરોજ થયેલ ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો મેળવી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.