Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરાના ગામનું નામ “લાંઘણજ” કે ‘લાંગણજ?’ આ એક સમસ્યા છે!

સુત્રોએ આપેલી માહિતી જો સાચી માનીએ તો ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરાનુ ગામ મહેસાણા જિલ્લાનું લાંઘણજ છે.

લગભગ ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા અને ખેતીના વ્યવસાય પર નભતા આ ગામની સમસ્યા વિચિત્ર અને વિશિષ્ટ છે! વાત જાણે એમ છે કે આ ગામનું સાચું નામ લાંઘણજ છે પરંતુ પરંતુ મહેસૂલી રેકર્ડમાં એ ગામનું નામ(ખોટી જોડણી કરાઈ હોવાથી) ‘લાંગણજ’ થઈ ગયું છે!

આ અંગે ગામ લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ પ્રશ્ન અંગે ૨૦૧૭થી અટવાયેલો છે.ગામના નામની સમસ્યા ‘ઘ’ અને ‘ગ’ વચ્ચે અટવાયેલી છે.આ અંગે ગામના સરપંચ અલકા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ સમસ્યાનો હલ લાવી આપવા વિનંતી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાસરાના ગામ પ્રત્યે મૃદુતા દાખવી અને મક્કમ પગલાં લઈ ગામના નામની સાચી (ગામનાં લોકોને પસંદ છે એવી)જોડણી મહેસુલી રેકર્ડમાં પણ થઈ જાય એ અંગે સરકારનાં મહેસૂલ વિભાગ પાસે હુકમ કરાવી આપે એવી લાંઘણજ ગામનાં લોકોની લાગણી છે.જોગાનુજોગ એ છે કે મહેસૂલ વિભાગ મુખ્યમંત્રી પાસે જ છે એટલે કામ પ્રમાણમાં વધું સરળતાથી પૂર્ણ થાય એમ છે.એક ગામ પોતાના જમાઈ પાસે એટલી અપેક્ષા તો રાખે જ ને?

રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પુજા યાદવની બેનમૂન નૈતિક હિંમત
રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા અને ગુજરાતની આઈ.પી.એસ.કેડરના ૨૦૧૮ની બેચના અધિકારી પૂજા યાદવ રાજકોટમાં કિશાનપરા ચોક પાસે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે નંબર વગરની અને કાળા કાચ ચઢાવેલી ૩ કાર ત્યાં આવી.આ કાર પરપ્રમુખ,યુવા મોરચો,વોર્ડ નંબર -૧૨, ઉપાધ્યક્ષ, રાજકોટ શહેર યુવા મોરચો જેવા બોર્ડ હતા.

તે ૩ કારને પૂજા યાદવે અટકાવીને કબજે કરી હતી. કારમાં બેઠેલા કાર્યકર્તાઓએ પૂજા યાદવ સાથે દલીલ કરી પણ ડી.સી.પી.એ નૈતિક હિંમત દાખવીને પ્રજા અને નેતા માટે કાયદો સરખો જ હોય એમ જણાવી દીધું હતું.આ દરમિયાન કાર્યકર્તાઓએ ધારાસભ્ય ડો.દર્શિતા શાહનો ફોન પણ પૂજા યાદવ પર કરાવ્યો હતો

પરંતુ પૂજાએ તેઓને પણ નિયમ સમજાવી દીધો હતો.બાયોટેકનોલોજી અને ફુડ ટેકનોલોજી સાથે બી.ટેક.થયેલા આ પૂજા યાદવ હરિયાણાના નુહ જિલ્લાનાં તુરુ ગામના વતની છે.

તેમનો ઉછેર તેમનાં ખેડૂત પિતાએ એકલા હાથે કર્યો છે.૧૯૮૯મા જન્મેલા પૂજાએ ૨૦૨૨માં એશિયા પેરા ગેમ્સમાં ભાગ લઇને સીલ્વર મેડલ મેળવ્યો હતો.તેઓ નાની ઉમ્મરે તેઓ કુવામાં પડી ગયા હતા.આઠ વર્ષની ઉંમરે પૂજાને મટી ન શકે તેવી કરોડરજ્જુની ઈજા થઈ હતી અને તેઓને વ્હીલ ચેરનો સહારો લેવો પડતો હતો.અનેક મુશ્કેલી,કૌટુંબિક વેદનાઓ અને અસહ્ય બીમારી જીરવી ચૂક્યા પછી પણ આઈ.પી?. એસ. બનેલા પૂજા યાદવની ખૂમારી બરકરાર છે એવું રાજકોટના પ્રકરણ પરથી લાગે છે.

રાધનપુરના ધારાસભ્ય લંવિગજી ઠાકોરનો નૃત્ય પ્રેમ!
માણસ રાજકારણ કે સત્તાકારણમાં આવે પછી એકંદરે દંભી બની જાય છે.કૃત્રીમ ગંભીરતા ધારણ કરી લે છે.અલબત્ત,રાજકારણમાં આવેલી મહિલાઓ પ્રમાણમાં હળવી રહી શકે છે!જ્યારે રાજકારણમાં પડેલા પુરુષો ભારેખમ બની જતા હોય છે. આમાં કેટલાક માણસો અપવાદરૂપ પણ હોય છે.

 

બનાસકાંઠા જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આવા એક અપવાદ છે.લંવિગજી પોતાના ધારાસભ્યપદનો ભાર મગજ પર રાખતા જ નથી.સાવ હળવાફૂલ થઈને ફરે છે.જ્યાં નૃત્ય કરવાની તક મળે ત્યાં મન મુકીને નાચી લે છે. તાજેતરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરે અદભુત નૃત્ય કર્યાનો વિડિયો વાયરલ થયો છે.

એ વિડિયોમાં લંવિગજી જોશભેર, લાંબી ફ્‌લાંગો ભરતાં, ડાન્સ કરતા,ઠૂમકા લેતા ભળાય છે.લવિંગજીને ધારાસભાની ટિકિટ મળી ત્યારે પણ એ જુસ્સાભેર ખૂબ નાચેલા. રાજકારણીઓને એવો ભય સતાવતો હોય છે કે હળવાં થશું તો લોકો હલકાં ગણી લેશે તો? પણ એવું કશું હોતું નથી.

આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જરૂર પડ્‌યે ઢોલ વગાડવાનો આનંદ મેળવી જ લે છે ને? લવિંગજી ઠાકોરનો નૃત્ય પ્રેમ સૂચવે છે કે તેઓ હળવા છે અને હળવા લોકો સમાજ સાથે વધારે પ્રમાણમાં તાદાત્મ્ય સાધી શકતાં હોય છે.લાગે છે કે ધારાસભ્ય લવિંગજી ઠાકોર એ માર્ગે છે.

ભા.જ.પ.ના સોશીયલ મીડીયા સેલનાં પૂર્વ પ્રદેશ કન્વીનર સિદ્ધાર્થ પટેલનું કથિત પરાક્રમ
ભા.જ.પ.ની દુરંદેશી પ્રત્યે માન થાય એવી એક ઘટના બહાર આવી છે.સચિવાલયમાં ચર્ચાતી વાત જો સાચી માનીએ તો ભા.જ.પ.એ જેને દુરંદેશી વાપરીને સોશિયલ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર પદેથી(મુદત પૂરી થાય તે પહેલાં) મુક્ત કરેલા તે સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલે તાજેતરમાં શામળાજી મંદિરના મેનેજર સાથે અત્યંત ઉદ્ધત વર્તન કરીને ગાળાગાળી કરી હોવાનાં સમાચાર બહાર આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી અને હાલ દીવ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ શામળાજી ટ્રસ્ટના સૌથી જુનિયર ટ્રસ્ટી છે.

બન્યું એવું છે કે સિદ્ધાર્થે પોતાના દાદીમા સ્મરણાર્થે શામળાજીમાં રાજોપચારી પૂજા લખાવી હતી અને તેની પ્રસાદી લેવા સદરહુ દિવસે સિદ્ધાર્થ શામળાજી પહોંચ્યા હોવાનું કહેવાય છે.હવે બન્યું એવું કે શામળાજી મંદિરના મેનેજર શૈલેષ શુક્લ સરતચૂકથી આ પૂજાની વિગતો નોટિસ બોર્ડ પર લખવાનું ભૂલી ગયા!

એમ કહેવાય છે કે આ જોઈને પ્રફુલ્લ પટેલનાં આ કુંવરનો મિજાજ ફાટ્યો અને મેનજર સાથે ભયંકર ગાળાગાળી કરી અને આધેડ મેનેજરને અપમાનીત કર્યા હતા તથા ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી માટે પણ અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા.

જો આ વાત સાચી હોય તો સ્વભાવ બાબતમાં સિદ્ધાર્થ પિતા પ્રફુલ્લ પટેલનાં સીધી લીટીના વારસ છે એવી સાબરકાંઠામાં થતી વાતને સમર્થન મળે છે એમ કહી શકાય.

 

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.