Western Times News

Gujarati News

સળગતા બાંગ્લાદેશની સ્થિતિ ટૂંકમાં સામાન્ય થશેઃ ભારત

અત્યાર સુધીમાં બાંગ્લાદેશથી ૬,૭૦૦ ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા

નવી દિલ્હી, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી નોકરીમાં અનામતના મુદ્દે વિરોધ પ્રદર્શનને પગલે ભારતના ૬,૭૦૦ વિદ્યાર્થી બાંગ્લાદેશથી પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતને આશા છે કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બનશે. બાંગ્લાદેશની સરકાર સામે નોકરીમાં અનામત મુદ્દે સતત દેખાવો થઈ રહ્યા છે.

પોલીસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણો ચાલુ છે ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “મને આશા છે કે સ્થિતિ ઝડપથી સામાન્ય બનશે.” બાંગ્લાદેશમાં હિંસક અથડામણોને પગલે ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. લોકો શેખ હસીનાની સરકાર પાસે વિવાદિત જોબ ક્વોટા સિસ્ટમ રદ કરવાની માંગણી કરી રહ્યા છે.

ઢાકાથી મળેલા અહેવાલ મુજબ બુધવારથી સ્થિતિમાં સુધારો નોંધાયો છે. જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં બાંગ્લાદેશથી ૬,૭૦૦ વિદ્યાર્થી પરત ફર્યા છે. ભારતના મતે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ તેની આંતરિક સમસ્યા છે. અને સ્થિતિથી વાકેફ છીએ અને ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશ સરકારના સહકાર અને સમર્થન સાથે અમે આપણા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશ પરત લાવી શક્યા હતા. ભારત બાંગ્લાદેશ સાથે હૂંફાળા અને મિત્રતાપૂર્ણ સંબંધ ધરાવે છે અને એટલે અમને આશા છે કે તેની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બનશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.