રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને શું ધમકી આપી?
(એજન્સી)મોસ્કો, જર્મનીમાં લોન્ગ રેન્જની મિસાઈલ તહેનાત કરવાના અમેરિકાના નિર્ણય પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વાંધો વ્યક્ત કરીને ધમકી આપી છે. પુતિને કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો અમે ઇન્ટરમીડિયેટ રેન્જના ન્યુક્લિયર હથિયારો બનાવવાનું શરૂ કરી દઈશું. આ ઉપરાંત પશ્ચિમી દેશોને પકડમાં રાખનારી મિસાઈલોને તહેનાત કરી દઈશું.
પુતિને રવિવારે કહ્યું કે જર્મનીમાં અમેરિકા દ્વારા લાંબા અંતરની અને હાઈપરસોનિક મિસાઈલોની તહેનાતીની યોજનાના જવાબમાં રશિયા નવા હુમલાખોર હથિયાર તહેનાત કરશે. ૨૦૨૬થી જ સ્જી-૬ તોમાહોક ક્રૂઝ મિસાઈલ અને હાઈપરસોનિક હથિયારોને તહેનાત કરી દેવામાં આવશે. સેન્ટ પીટર્સબર્ગમાં એક નૌસૈનિક પરેડમાં પુતિન સૈનિકોને સંબોધિત કરી રહ્યાં હતાં.
અમેરિકાએ આ મહિનાની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે, અમે ૨૦૨૬માં હથિયારોની તહેનાતી શરૂ કરી દઈશું. જેથી ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનમાં મોસ્કોના ચારે બાજુના આક્રમણ બાદ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન અને યુરોપિયન દેશોની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી શકીએ. પુતિને કહ્યું કે જો અમેરિકા આવી યોજનાઓને લાગુ કરશે
તો અમે અમારા નૌસેનાના દલોની ક્ષમતા વધારવા સહિત મધ્યમ અને ઓછા અંતરની મિસાઈલની તહેનાતી પર પહેલાથી લગાવવામાં આવેલા એકતરફી પ્રતિબંધથી ખુદને મુક્ત માનીશું. મોસ્કો દ્વારા ઉપર્યુક્ત હથિયાર પ્રણાલીઓનો વિકાસ અંતિમ તબક્કામાં છે. વોશિંગ્ટન અને મોસ્કો બંનેએ તાજેતરના અઠવાડિયામાં મધ્યમ અંતરની મિસાઈલ તહેનાત કરવામાં તત્પરતાનો સંકેત આપ્યો છે. તેના પર ૧૯૮૭ની અમેરિકા-સોવિયત સંધિ હેઠળ દાયકાઓથી પ્રતિબંધ હતો.