બોમ્બે હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને ૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પર ૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે. કોર્ટના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ પતંજલિ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ વચગાળાના આદેશમાં કોર્ટે પતંજલિને તેના કપૂર ઉત્પાદનો ન વેચવા કહ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ આરઆઈ ચાગલાની બેન્ચે કહ્યું કે પતંજલિએ જાણી જોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. બેન્ચે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પતંજલિ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો ધરાવે છે.ગત વર્ષે હાઈકોર્ટે વચગાળાનો આદેશ જારી કરીને પતંજલિને કપૂરમાંથી બનાવેલા ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવવા જણાવ્યું હતું.
દરમિયાન મંગલમ ઓર્ગેનિક્સ લિમિટેડે પતંજલિ પર કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી.સુનાવણી દરમિયાન પતંજલિએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. જો કે કોર્ટે કહ્યું કે પતંજલિ ખૂબ જ અમીર કંપની છે અને તેને ડર્યા વગર રહેવા દેવાય નહીં.
કોર્ટે કહ્યું કે આદેશ જારી કરવા છતાં પતંજલિ ન માત્ર ઉત્પાદનનું વેચાણ કરી રહી છે પરંતુ તેનું ઉત્પાદન પણ કરી રહી છે.હાઈકોર્ટે પતંજલિને બે અઠવાડિયામાં ૪ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે પતંજલિને ૫૦ લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. એટલે કે પતંજલિ પર એકંદરે ૪.૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઓગસ્ટ ૨૦૨૩માં, બોમ્બે હાઈકોર્ટે પતંજલિને કપૂરમાંથી બનાવેલા ઉત્પાદનોના વેચાણ અને જાહેરાત પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ જારી કર્યાે હતો.
મંગલમ ઓર્ગેનિક્સની અરજી પર આ આદેશ જારી કરવામાં આવ્યો છે.મંગલમ ઓર્ગેનિક્સ સામે કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવીને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મંગલમે બાદમાં અરજી દાખલ કરીને દાવો કર્યાે હતો કે વચગાળાના આદેશ છતાં પતંજલિ કપૂરના ઉત્પાદનો વેચી રહી છે.
આ કેસની સુનાવણી દરમિયાન પતંજલિએ કોર્ટને કહ્યું હતું કે ૨૪ જૂન સુધી ૪૯.૫૭ લાખ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું.જો કે જૂનમાં પતંજલિના ડાયરેક્ટર રજનીશ મિશ્રાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. સોમવારે કોર્ટે કહ્યું કે મિશ્રાને જેલની સજા આપવાનો મામલો હોવા છતાં કોર્ટ આવો આદેશ આપવાનું ટાળી રહી છે કારણ કે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા જોખમમાં છે. કોર્ટે કહ્યું કે જો ૪ કરોડ રૂપિયાની રકમ બે અઠવાડિયામાં જમા કરવામાં નહીં આવે તો મિશ્રાને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવશે.SS1MS