બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ ફરી રસ્તા પર ઉતર્યા, ઘણી જગ્યાએ પ્રદર્શન
ઢાકા, બાંગ્લાદેશમાં ફરી એકવાર શેરીઓમાં અરાજકતા જોવા મળી રહી છે. વડાપ્રધાન શેખ હસીનાએ માફી માંગવાના અલ્ટીમેટમની અવગણના કરી છે, જેના પછી વિદ્યાર્થીઓ ગુસ્સામાં ભડકી ઉઠ્યા છે અને સરકાર વિરુદ્ધ ઘણી જગ્યાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
સ્થાનિક વિદ્યાર્થીઓ તેમના નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા હતા.વિદ્યાર્થીઓએ દેશમાં અશાંતિ માટે સરકારને માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેની સરકારે અવગણના કરી અને વિદ્યાર્થીઓએ ફરી વિરોધ શરૂ કર્યાે.
અગાઉ સોમવારે બાંગ્લાદેશ સરકારે પહેલીવાર સ્વીકાર્યું હતું કે અશાંતિમાં દેશભરમાં લગભગ ૧૫૦ લોકો માર્યા ગયા છે. સરકારે દેશવ્યાપી શોક જાહેર કર્યાે છે.તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી અને સરકારે નોકરીના ક્વોટા સામેના વિરોધને દબાવવા માટે સેનાને બોલાવી હતી.
આ મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા અને પછી વડા પ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વ્યાપક ચળવળમાં ફેરવાઈ ગયા હતા. અશાંતિમાં પોલીસકર્મીઓ સહિત હજારો લોકો ઘાયલ થયા છે અને મોટી સરકારી સંસ્થાઓને નુકસાન થયું છે.
કેબિનેટ સચિવ મહેબૂબ હુસૈને પીએમ હસીનાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, સરકારે નિર્ણય લીધો છે કે આવતીકાલે (મંગળવારે) દેશવ્યાપી શોક મનાવવામાં આવશે. તેમણે લોકોને કાળા બેજ પહેરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે દેશભરની મસ્જિદો, મંદિરો, પેગોડા અને ચર્ચાેને પણ મૃતકો અને ઘાયલ લોકો માટે પ્રાર્થના કરવા વિનંતી કરવામાં આવી છે.
હુસૈને કહ્યું કે ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમલે બેઠકમાં પરિસ્થિતિ વિશે અહેવાલ રજૂ કર્યાે અને દેશભરમાં થયેલી અથડામણમાં ૧૫૦ લોકોના મોતની પુષ્ટિ કરી. રાજધાની ઢાકાની શેરીઓમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળો પેટ્રોલિંગ કરવા આવ્યા ત્યારે આ માહિતી સામે આવી.
પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના જૂથે ફરીથી વિરોધનું એલાન આપ્યું છે.
આંદોલનકારીઓએ કહ્યું કે અમારા નેતાઓને દબાણ હેઠળ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓએ શેરીઓમાં છૂટાછવાયા વિરોધ પ્રદર્શન કર્યા, પરંતુ રાજધાનીના કેટલાક ભાગોમાં અને અન્ય સ્થળોએ પોલીસ દ્વારા તેમને ઝડપથી વિખેરી નાખવામાં આવ્યા.
વિદ્યાર્થીનું કહેવું છે કે વડાપ્રધાને અશાંતિ માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમના ઘણા મંત્રીઓને બરતરફ કરવા જોઈએ અને દેશભરની શાળાઓ અને યુનિવર્સિટીઓ ફરીથી ખોલવી જોઈએ. અશાંતિના કારણે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.SS1MS