નર્મદ યુનિ.માં RTI સેલના કર્મચારીની ૩ વર્ષ જૂની ફોરવર્ડેડ પોસ્ટ સામે વિરોધ
હિન્દુ આસ્થા અને ધર્મ ઉપર ઘા કરતી પોસ્ટથી ભારે વિરોધ
સુરત, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં વ્હાલા કર્મચારીઓને સાચવવા માટે કરાતી આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. યુનિ.ના આરટીઆઈ સેલમાં ફરજ બજાવતા એક કર્મચારીની ત્રણ વર્ષ જૂની હિન્દુ ધર્મની આસ્થા ઉપર ટીકા કરતી ફેસબુક પોસ્ટ ઉપર સોમવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. Veer Narmad South Gujarat University RTI cell
સોમવારે યુનિ.માં આ મુદ્દે ભારે હલ્લાબોલ અને શોરબકોર કરાયો હતો. કુલપતિએ તપાસ કરવા માટેનું આશ્વાસન આપ્યું હતું. જો કે, આ આખા વિરોધના રાજકારણ પાછળ કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓમાં વ્હાલા કર્મચારીઓને સાચવવા માટેની ખેંચતાણનો મુદ્દો ભાગ ભજવી ગયો હોય તેવી વાત સામે આવી હતી.
વીર નર્મદ યુનિ.માં આરટીઆઈ સેલમાં ફરજ બજાવતા દેવેન્દ્રનાથ કે.પટેલના ફેસબુક ઉપર વર્ષ ર૦ર૧માં એક પોસ્ટ ફોરવર્ડ કરાઈ હતી જેમાં શ્રાવણ માસના ઉપવાસ કરી રહેલી ભારતીય કન્યાઓ ઉપર અણછાજતી કોમેન્ટ હતી. આ પોસ્ટને મુદ્દો બનાવીને હિન્દુ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી હોવાના આરોપ સાથે બજરંગદળના કેટલાક યુવાનોએ યુનિ.માં હલ્લાબોલ કર્યું હતું.
તેમણે એવો આરોપ મૂકયો હતો કે યુનિ.ના આ કર્મચારી સતત હિન્દુ વિરોધી પોસ્ટ મૂકતા આવ્યા છે. જો કે, યુનિ.ના વર્તુળોમાં ચાલતી વાતો એવી છે કે, ત્રણ વર્ષ જૂની ફેસબુક પોસ્ટ ઉપર હમણાં વિવાદ છેડવા પાછળનું કારણ શું. તેની પાછળ કોન્ટ્રાક્ટ ઉપર મોટા પગારે લેવાયેલા વ્હાલા કર્મચારીઓને સાચવવા માટેની ખેંચતાણ જવાબદાર છે. વીર નર્મદ યુનિ.માં સોમવારે થયેલા આ હંગામા અંગે કહ્યું કે, આરટીઆઈ સેલના કર્મચારી દેવેન્દ્ર પટેલની ફેસબુક પોસ્ટનો મામલો છે. વર્ષ ર૦ર૧ની પોસ્ટ છે. જે વિવાદી પોસ્ટ કરાઈ હતી તે એકાઉન્ટ ઓલરેડી સસ્પેન્ડ છે છતાં આ અંગે તપાસ સમિતિ બનાવી તપાસ કરાવીશું અને યોગ્ય પગલાં ભરીશું.