Western Times News

Gujarati News

56 જેટલા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયા

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દિવ્ય ભાસ્કર દ્વારા MSME કોન્કલેવ અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

મોટી સંખ્યામાં સફળ ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત

અમદાવાદ ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં MSME કોન્કલેવ અને એવોર્ડ વિતરણ 2024 સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી  આશરે 300 જેટલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે 56 જેટલા ઉદ્યોગસાહસિકોને ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે ટીમ દિવ્યભાસ્કરને અભિનંદન આપતા જણાવ્યું કે, આ પ્રકારના કોન્કલેવ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી પીઠબળ પૂરું પાડે છે. મંત્રીશ્રીએ વધુ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોઈપણ માણસને નવો ધંધો શરૂ કરવું હોય તો અનેક પ્રકારની લાયસન્સની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું પરંતુ કેન્દ્ર અને રાજ્યની સરકારના ઇઝ ઓફ ડુઈંગ ની નીતિઓના અમલીકરણના કારણે હવે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા અને વ્યાપાર શરૂ કરવા તેમજ આગળ વધારવા સરળ બન્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલ દેશમાં ઉદ્યોગો માટે એટલું હકારાત્મક વાતાવરણ છે કે, નવો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર (આઈડિયા) આવે અને ત્યાંથી નિકાસ (એકસપોર્ટ) કરે ત્યાં સુધીની માહિતી, સુવિધા, માર્ગદર્શન અને સબસિડી અથવા સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગની સ્થાપના કે વિકાસ માટે જરૂરી નાણાકીય સહાય માટે લોન મેળવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ અને જામીનગીરી વગર કરવામાં આવી છે.

મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં રોજગાર ક્ષેત્રે અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં ભારત દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેમ જણાવ્યું હતું. અને મંત્રીશ્રીએ સૌ ઉદ્યોગસાહસિકોને દિવ્ય ભાસ્કરના મંચ પરથી આહ્વાન કર્યું કે, આગામી સમય ભારતીય યુવાનોનો છે અને આ સમયગાળાનો સદુપયોગ કરી રાજ્ય અને દેશને કેવી રીતે આગળ વધારી શકાય તે માટે પૂરી ઊર્જા અને ખંતથી સૌએ કામ કરવું જોઈએ.

આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી સંદીપ સાગલે, MSME ના આસી. ડાયરેક્ટર શ્રી ટી.કે. સોલંકી, એસબીઆઇના જનરલ મેનેજર શ્રી ચંદ્રશેખરજી, એસોચેમ ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંત્તન ઠક્કર, દિવ્ય ભાસ્કર ગ્રુપના શ્રી પંકજભાઈ, શ્રી દિનેશભાઈ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.