Western Times News

Gujarati News

સોમનાથમાં સ્થાનિક બહેનોએ મહાદેવની ધ્વજા બનાવી આર્થિક પાર્જન થકી બન્યા આત્મનિર્ભર

શ્રાવણમાં શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા માટે ટ્રસ્ટની આગવી તૈયારીઓ -શ્રાવણમાં મહાદેવના દર્શને આવનાર ભક્તોની પસંદ હોય છે મહાદેવની ધ્વજા પૂજા

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનામાં ધ્વજા પૂજા માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ કરવામાં આવી -નૃત્યમંડપ અને સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા માટે વિશેષ માળખું ખડેપગે રહેશે
સોમનાથ,  શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 30 દિવસનો શ્રાવણ રુપી શોવિત્સવ આવી રહ્યો હોય મહાદેવની ધ્વજા પૂજા અગાઉ ના વર્ષો કરતા વધુ નોંધવાની સંભાવના છે. જેને લઇને ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી મોટીમાત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે.
ધ્વજાનું શાસ્ત્રોકત મહત્વ:
ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ, અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે જેથી જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે.
ધ્વજાનો ઈતિહાસ : 
શ્રી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા 13 મે 1965 ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.
ધ્વજાનું બંધારણ અને પદ્ધતિ:
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે. જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખર થી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજારોપણ છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજા રોહણ સેવા આપે છે. જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મૂકીને દોરડા વડે ઉચ્ચાલન કરીને ધ્વજને શિખર પર પહોંચાડે છે.
ધ્વજા નિર્માણ કરનાર:
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમવર્ગીય મહિલાઓ પાસે ધ્વજા નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બન્યા છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહિ પરંતુ સાધના છે. અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગાર ને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કર્યો છે.
શ્રાવણ માટે વિશેષ તૈયારીઓ:
સોમનાથ ખાતે દર્શન કરવા આવનાર ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર તેમજ પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે. શિવજીને પ્રિય એવા શ્રાવણ માસમાં અત્યાર મોટી માત્રામાં દર્શનાર્થીઓ પધારવાના હોય ત્યારે ગત વર્ષની સાપેક્ષમાં ધ્વજા પૂજા સહિતની પૂજાઓ વધુ માત્રામાં નોંધવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટની તૈયારીઓ:
શ્રી સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે તેમજ પૂજન સામગ્રી, અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.