Western Times News

Gujarati News

વૃક્ષો તેમજ પ્રાણીઓ અને પક્ષીઓનું સંરક્ષણ કઈ રીતે કરવું તે વિષયે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર વિશેષ વર્કશોપ યોજાયો-જૈવિક વિવિધતા અને તેના સંરક્ષણ વિશે માહિતગાર કરાયા

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિતે વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી ઝૂઓલોજી અને સંલગ્ન વિભાગના આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા.

આ વર્કશોપમાં ગ્રીન સપોર્ટ સર્વિસના ઈકોલોજીસ્ટ ડો. વિરાગ વ્યાસ અને સસ્ટેનેબલ ઈકોલોજી ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડો. ભાવિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો. વિરાગ વ્યાસે જૈવિક વિવિધતા અને તેના સંરક્ષણ વિશે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી.  તેમણે સમજાવ્યું હતું કે, અત્યારે માનવ વસ્તી વધી રહી છે અને જંગલનો વિસ્તાર ઘટી રહ્યો છે. જેને કારણે જૈવિક વિવિધતાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જેના વિશે લોકોને જાગૃત કરવા જરૂરી છે.

વધુમાં તેમણે કહ્યું કે, જંગલનો વિસ્તાર ન ઘટે અને જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓના અસ્તિત્વ પર જોખમ ઊભું ન થાય તેવા પગલાં આપણે સહુએ સાથે મળીને લેવા જોઈએ.

આ ઉપરાંત ડૉ. ભાવિક પટેલે વૃક્ષો તેમજ પ્રાણીઓ અને પક્ષીઓનું સંરક્ષણ કઈ રીતે કરવું તેના વિશે સમજાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે કોઈ જગ્યાએ વૃક્ષારોપણ કરવું હોય તો પહેલાં એ વિસ્તારનો અભ્યાસ કરવો જોઈએ કે ત્યાં ક્યા પ્રકારના વૃક્ષો ઉછરી શકશે ? આ પ્રકારના વૃક્ષોની જરૂરિયાત એ વિસ્તારમાં કેટલી છે અને તેનાથી કેટલો ફાયદો થશે. આ બધી બાબતનો અભ્યાસ કર્યા પછી જ વૃક્ષારોપણ કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે જંગલના જુદા જુદા કાયદાઓ વિશે તેમજ પ્રોજેક્ટ એલિફન્ટ અને પ્રોજેક્ટ ટાઈગર વિશે પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેમજ પ્રકૃતિનું સંરક્ષણ થાય તેના માટે અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.