Western Times News

Gujarati News

એક દિવસની ડ્રાઈવમાં 60 જેટલા સ્કૂલ વાહનો અને 20બસોનું ચેકીંગ કરી 2.31 લાખનો દંડ વસુલાયો

પ્રતિકાત્મક

માર્ગ સલામતી અંતર્ગત R.T.O. દ્વારા ખાસ ડ્રાઈવ ઝુંબેશ યોજાઇ

સ્કૂલના બાળકોના પરિવહનના વાહનો અને બસોનું ચેકીંગ કરી દંડ વસુલાયો

પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (R.T.O) દ્વારા માર્ગ સલામતી અંતર્ગત એક દિવસની ખાસ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં સ્કૂલના બાળકોને લાવવા અને લઈ જવાના સાધનો જેવા કે સ્કૂલ વાહન અને સ્કૂલ બસોનું ચેકીંગ કરી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એક દિવસની યોજાયેલી આ ડ્રાઈવમાં R.T.O દ્વારા 60 જેટલા સ્કૂલ વાહનો અને 20 જેટલી સ્કૂલ બસોનું ચેકીંગ કરી રૂ. 2,31,000 નો દંડ વસુલવવામાં આવ્યો હતો.

R.T.O કચેરી દ્વારા શાળાના બાળકોની સલામતી બાબતે સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે છેલ્લા એક મહિનામાં ત્રણ વખત મીટીંગ યોજી તમામ સ્કૂલવાન સંચાલકોને નિયત સમયમર્યાદામાં સ્કૂલ વાન પરમીટ લઈ લેવા માટે જણાવાયું હતું.

સમય મર્યાદાની અંદર સ્કૂલ વાનની પરમીટ મેળવી લેવાની સૂચના અપાયાં તેમ છતાં આજદિન સુધી 600 જેટલા સ્કૂલ વાન સંચાલકશ્રીઓએ જ પરમીટ લેવાની કાર્યવાહી કરી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં અંદાજે ત્રણ હજાર જેટલા સ્કૂલ વાહનોનો બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગ કરવમાં આવે છે. સ્કૂલમાં જતા આવતા બાળકોની સલામતીને ધ્યાનમાં લઈને R.T.O કચેરી દ્વારા 1લી ઓગષ્ટ 2024 થી તમામ બિનઅધિકૃત વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એક ડ્રાઈવ શરુ કરવામાં કરાઈ છે.

જે અંતર્ગત આજે R.T.O કચેરીના અધિકારીઓ દ્વારા ખાસ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં કુલ – 60 સ્કૂલ વાહનો અને 20 બસનું ચેકીંગ કરાયું હતું અને કુલ રૂા. 2,31,000નો દંડ વસૂલ કરાયો હતો. આગામી સમયમાં પણ R.T.O. અમદાવાદ દ્વારા ખાસ પ્રકારની ડ્રાઈવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. જેથી શહેરના તમામ સ્કૂલ સંચાલકો દ્વારા તેઓના વાહનોને તાત્કાલિક અસરથી જરૂરી પરમીટ અંગેની કાર્યવાહી કરાવી લેવા જણાવવામાં આવે છે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.