‘ઇન્ડિયન ૨’ માટે નક્કી થયેલી રકમ આપવા નેટફ્લિક્સનો ઇનકાર
મુંબઈ, ‘ઇન્ડિયન ૨’ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર બહુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી, કારણ કે તેમાં બે સુપરસ્ટાર – કમલ હસન અને શંકર એક સાથે આવ્યા હતાં.
કમનસીબે, આ ફિલ્મ બિલકુલ ન ચાલી અને તેના કારણે મેકર્સની ચિંતા વધી ગઈ અને તેમની અંતિમ આશા એવી ઓટીટી રિલીઝમાં પણ હવે મુશ્કેલીઓ આવી રહી છે. ઓડિયન્સે મોટા પડદા પર ફિલ્મને નકારી કાઢી પછી આ ફિલ્મને આઠ અઠવાડિયા પહેલાં જ ઓટીટી પર રિલીઝ કરી દેવાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
પરંતુ હવે લાગે છે કે જે દર્શકો ફિલ્મ આવે એની રાહ જોઇને બેઠાં છે તેમના હજુ થોડી વધારે રાહ જોવી પડશે. આ ફિલ્મ ૧૯૯૬ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઇન્ડિયન’ની સીક્વલ છે, ત્યારે તેની પાસે પણ બ્લોકબસ્ટર રહે તેવી આશા હતી. બીજું કે આ ફિલ્મ પર ઘણા લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું તો દર્શકોને પણ ફિલ્મમાં કશુંક અનોખું અને રસપ્રદ જોવાની આશા હતી.
કમનસીબે ફિલ્મને મોટાભાગના લોકો પાસેથી નકારાત્મક પ્રતિસાદ મળ્યો. તેથી આ ફિલ્મે વર્લ્ડવાઇડ અપેક્ષા કરતાં ઘણી ઓછી કમાણી કરી. ત્યારે તાજેતરમાં એવા અહેવાલો આવી રહ્યાં છે કે ‘ઇન્ડિયન ૨’એ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર માત્ર ૮૧ કરોડની કમાણી કરી છે, જ્યારે વિદેશમાંથી તેને ૫૧ કરોડની આવક થઈ છે.
આમ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર ૧૬૦.૫૮ કરોડ જ થયું છે. જ્યારે આ ફિલ્મને બનાવવાનું બજેટ જ ૨૫૦ કરોડ હતુ, તેથી મેકર્સને મોટું નુકસાન ભોગવવાનું આવ્યું છે. આ સ્થિતિમાં ઓરિજિનલ ઓટીટી રાઇટ્સ માટે નેટફ્લિક્સ પહેલાં જે રકમની ડીલ થઈ હતી, તે મુજબની રકમ આપવામાં રાજી નથી.
કેટલાક અહેવાલો મુજબ નેટફ્લિક્સે ૧૨૦ કરોડમાં આ ફિલ્મના રાઇટ્સ માગ્યા હતા અને થિએટરમાં ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં જ રકમ ચૂકવી દીધી હતી. હવે ફિલ્મ બિલકુલ નિષ્ફળ ગઈ હોવાથી તે રકમનો અમુક હિસ્સો પાછો માગે છે અને તે ૧૨૦ કરોડની ડીલ સાથે સહમત નથી. છેલ્લાં કેટલાંક સમયથી ઓટીટી પ્લેટફર્મ્સ ફાઇનલ ડીલ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો દેખાવ કરે છે, તેના પર નક્કી કરે છે.
તેથી ‘ઇન્ડિયન ૨’ના કેસમાં નેટફ્લિક્સ અને મેકર્સ વચ્ચે વાટાઘાટો થવાની શક્યતા છે તેથી જ્યાં સુધી આ મુદ્દાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઓટીટી પર ફિલ્મ જોઈ શકાશે નહીં.SS1MS