Western Times News

Gujarati News

ચાંદખેડામાં 5200 કરોડના સટ્ટાના વ્યવહારની વિગતો મળીઃ EDની રેડ

પ્રતિકાત્મક

ચાંદખેડામાં ઇડી ત્રાટકી, મોટાપાયા પર બેનામી વ્યવહારોની શંકા

અમદાવાદ, અમદાવાદના ચાંદખેડામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ ત્રાટકી છે. ચાંદખેડામાં આવેલા બંગલામાં ઇડીની તપાસ ચાલી રહી છે. ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઇન ગેમિંગને લઈને સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં બે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ડિજિટલ એવિડન્સની તપાસ ચાલુ છે. મોટાપાયા પર બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તાજેતરમાં જ મહાદેવ સટ્ટા એપના એક રેકેટિયર ભરત ચૌધરીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ. ૫,૨૦૦ કરોડના સટ્ટાના વ્યવહારની વિગત મળી આવી હતી. પાટણનો ભરત ચૌધરી અમદાવાદમાં જ રહે છે.

મહાદેવ સટ્ટા એપના છેડા છેક અમદાવાદ સુધી અડ્યા છે. હજી પણ આ ધંધો બંધ થયો નથી, પૂરબહારમાં ચાલી રહ્યો છે. તેથી ઇડીની આ રેડ આ સંદર્ભમાં હોય તો પણ નવાઈ નહીં લાગે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે કુખ્યાત બુકી સૌરભ ચંદ્રાકરના નજીકના સહયોગી ભરત ચૌધરીની ધરપકડ કરી છે, જે મહાદેવ સટ્ટાબાજીની એપ સામ્રાજ્યના મુખ્ય સૂત્રધાર છે.

બોર્ડર રેન્જ સાયબર સેલની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ, ગેરકાયદે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ માટે વધતા જતા હબ પાટણમાં ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.ચૌધરી લાંબા સમયથી પકડાવવાથી બચી રહ્યો હતો, તે દુબઈથી પાટણમાં તેના ઘરે પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના ૧ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

તેની ધરપકડ મહાદેવ સટ્ટાબાજીના નેટવર્ક પર ચાલી રહેલા ક્રેકડાઉન આ કેસમાં થયેલું ડેવલપમેન્ટ દર્શાવે છે, જે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સઘન તપાસ હેઠળ છે.

ચૌધરીના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસમાં તેને સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથે જોડતા વ્યાપક પુરાવા મળ્યા હતા. તપાસકર્તાઓને મહાદેવ એપના ?૫૨૧૩.૬૫ કરોડના આશ્ચર્યજનક વાર્ષિક ટર્નઓવરને દર્શાવતા રેકોર્ડ્‌સ મળ્યા, જેની વિગતો વોટ્‌સએપ ગ્રુપ કોમ્યુનિકેશન્સમાં છે. પોલીસ બેંક એકાઉન્ટ અને હવાલા ડેટાની તપાસ કરી રહી છે.

પૂછપરછ દરમિયાન, ચૌધરીએ સટ્ટાબાજીમાં સંડોવાયેલા અન્ય ભાગીદારોના નામ જાહેર કર્યા. તેના ફોનમાં પાટણના સૌરભ ચંદ્રાકર, દિલીપ પ્રજાપતિ અને રોનક પ્રજાપતિ, ધનબાદ, ઝારખંડના રવિકુમાર સિંહ જેવા મુખ્ય વ્યક્તિઓના પાસપોર્ટના ફોટા પણ હતા, જેઓ હાલમાં દુબઈમાં રહે છે અને સટ્ટાબાજીના વ્યવસાયમાં ઊંડે સુધી સંકળાયેલા છે. ગુજરાત પોલીસે આ કેસમાં ચૌધરી અને અન્યો સાથે સૌરભ ચંદ્રાકર સામે પણ ગુનો નોંધ્યો છે.

ચૌધરીના જણાવ્યા અનુસાર, તે સૌરભ ચંદ્રાકરના નજીકના સહયોગી અતુલ અગ્રવાલ સાથે મહાદેવ અને અન્ય સબસિડિયરી એપ્સ માટે કામ કરી રહ્યો છે. ફરાર આરોપી અનિલ અગ્રવાલ, જેને અતુલ અગ્રવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહાદેવ બુક એપમાં કથિત રીતે ૧૦ ટકા ભાગીદાર છે અને સૌરભ ચંદ્રાકરના તમામ સટ્ટાબાજીના આઈડીની દેખરેખ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.