પ્રતિબંધિત ગ્લુ ટેપ વેચવા બદલ કરિયાણાના વેપારીની અટકાયત
ગ્લુ ટ્રેપ વેચનાર સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુનો મેઘરજમાં નોંધાયો
મોડાસા, રાજયમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો હોવાનો ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતમાં રીટ થઈ હતી ગુજરાતમાં ગ્લુ ટ્રેપ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે
ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા મેઘરજ નગરમાં કરિયાણાની દુકાનમાં ગ્લુ ટ્રેપ વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં ગ્લુ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે સૌપ્રથમ મેઘરજ પોલીસે ગુનો નોંધતા જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અરવલ્લી જિલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને પ્રતિબંધિત ગ્લૂ ટ્રેપ વેચાણ નહીં કરવા તાકીદ કરી હતી. તેમ છતાં અનેક દુકાનોમાં ગ્લૂ ટ્રેપ ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે મેઘરજ પીએસઆઈ રાજપૂતે બસ સ્ટેન્ડ સામે આવેલા ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી શિવશક્તિ કિરાણા સ્ટોર્સ નામની દુકાનનો વેપારી દિનેશ ગોપાલ કુમાવત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતો
હોવાની બાતમી મળતાં કરિયાણાની દુકાનમાં ત્રાટકી ગ્લુ ટ્રેપનો જથ્થો જપ્ત કરી વેપારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેઘરજ પોલીસે ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે કાર્યવાહી કરતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને ગ્લુ ટ્રેપનો જથ્થો સગેવગે કરી દીધો હતો.