રેલવે ગરનાળામાં ભરાયેલા પાણીમાં BJPની છત્રી તરતી કરી કોંગ્રેસ કાર્યકરોએ
પાટણના રેલવે ગરનાળામાં ભરાયેલાં પાણીને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ
પાટણ, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. ચોમાસા પૂર્વે પાટણ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સૂનની કામગીરી ફકત કાગળ પર કરવામાં આવી હોય તેવા દૃશ્યો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના કારણે જોવા મળી રહ્યા છે.
શહેરમાં સોમવારે અને મંગળવારે પડેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં શહેરના પ્રવેશદ્વાર સમા પ્રથમ રેલવે ગરનાળામાં ઢીંચણ સમા પાણી ભરાઈ રહેતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચારી ભાજપ શાસિત પાટણ નગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ બુધવારે રેલવેના પ્રથમ ગરનાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
કોંગ્રસના આગેવાનોએ રેલવે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં ભાજપની છત્રીને તરતી કરી પાલિકા દ્વારા કાગળ પર કરાયેલી પ્રિ-મોન્સૂન પ્લાનની ઝાટકણી કાઢી ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરી વરસાદી પાણીનો પાલિકા દ્વારા તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આ અનોખા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપના ગતિશીલ ગુજરાતમાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારે આજદિન સુધી પાટણમાં કોઈ કામ ગતિશીલ કર્યું ન હોવાના આક્ષેપો કર્યા હતાં.