Western Times News

Gujarati News

કેદારનાથમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું

પ્રતિકાત્મક

તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર  મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી

  કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નરશ્રી આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.   ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

  વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

  અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી શ્રી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ. ઓ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.