રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પોલિસી અપનાવી છે: હર્ષ સંઘવી
કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઈઆઈ)ની પશ્ચિમ ક્ષેત્રની બેઠકમાં ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિવિધ રાજ્યોના ઉદ્યોગકારો સાથે વિશદ ચર્ચા કરી
અમદાવાદ ખાતે આયોજિત કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઈઆઈ)ની પશ્ચિમ ક્ષેત્રની તૃતીય બેઠકમાં ઉપસ્થિત ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત એક પોલિસી ડ્રિવન સ્ટેટ છે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પોલિસી અપનાવી છે.
અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રોને સ્વીકારવા માટે રાજ્ય સરકારની તત્પરતા પર ભાર મૂકતા મંત્રીશ્રીએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના ઉદભવ પર પ્રકાશ પાડ્યો હતો.
મંત્રીશ્રીએ રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા વિશે પણ ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઉદ્યોગો અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે સતત શિક્ષણ અને સુધારણા એ સરકારની પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોના હિત માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે ઉદ્યોગ ગૃહોએ પણ તેમની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓનું જીવનધોરણ ઊંચું લાવવા માટેના પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યું કે રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પહેલના કારણે જ આજે ગુજરાતને રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન પામ્યું છે. તેમણે આર્થિક વિકાસ અને નાવીન્યને પ્રોત્સાહન આપતા બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણને પ્રોત્સાહન આપવા સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં, મંત્રીશ્રીએ ગુજરાતના ગતિશીલ ઔદ્યોગિક લેન્ડસ્કેપ, મજબૂત માળખાગત સુવિધાઓ અને પ્રગતિશીલ નીતિઓ પર ભાર મૂક્યો હતો. જે રોકાણને આકર્ષિત કરે છે અને આર્થિક વૃદ્ધિને બળ આપે છે.
મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના ઉદ્યોગકારો દ્વારા રજૂ કરવામાં આવેલાં સૂચનો સાંભળ્યા હતા તેમજ ઉદ્યોગોને લગતાં પ્રશ્નો અંગે હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો.
આ તકે સીઆઈઆઈના પશ્ચિમ ક્ષેત્રના ચેરપર્સન શ્રીમતી સ્વાતિ સાલગાંવકર, શ્રી ઋષિકુમાર બાગલા, ગુજરાત એકમના અધ્યક્ષશ્રી કુલીન લાલભાઈ, શ્રી પ્રેમરાજ કશ્યપ, શ્રી રાજીવ મિશ્રા સહિત વિવિધ રાજ્યોના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.