Western Times News

Gujarati News

….અને અટકી ગયેલા મારા જીવનને ફરીથી વેગ મળ્યો : પ્રતાપભાઈ જાદવ

સાફલ્યગાથા- તબીબે નિદાન કરી જણાવ્યું કે ‘ની રિપ્લેસમેન્ટ’ કરાવવું પડશે. તપાસ કરતાં ખબર પડી કે આ ખર્ચાળ ઓપરેશનમાં તો તેમના સમગ્ર જીવનની બચત વપરાઈ  જાય તેમ છે.

“…જો આ સર્જરી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી હોત તો મારા શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાના ધોમધખતા તાપ અને ચોમાસામાં ચાલુ વરસાદે ખેતી કરીને એકઠી કરેલી સમગ્ર જીવનની બચત ખર્ચાઈ જાત….” બોલતાં બોલતાં જ પ્રતાપભાઈ જાદવ ભાવુક થઈ ગયા.

તેમની નજર સામેથી તેમના જીવનનો દાયકાઓનો સંઘર્ષ અને આ દરમિયાન આવેલી હોસ્પિટલની ઉપાધિ પસાર થઈ ગઈ. પણ ફરી તેમના ચહેરા પર ચમક આવી અને તેમણે વાત આગળ ધપાવી. “…પણ ભલું થજો સરકારનું કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લાખોનું ઓપરેશન સાવ મફતમાં થઈ ગયું.” એમ જણાવતા પ્રતાપભાઈ આનંદિત થઈ ઊઠ્યા.

પ્રતાપભાઈ સાણંદ તાલુકાના ખોરજ ગામે જાદવવાસમાં તેમના પરિવાર સાથે રહે છે. વ્યવસાયે ખેડૂત એવા પ્રતાપભાઈ જીવનના છ દાયકા પૂરા કરી 62 વર્ષની ઉંમરે પહોંચ્યા અને તેમને ઢીંચણનો દુખાવો શરૂ થયો. ચાલવાથી માંડી દૈનિક ક્રિયા કરવામાં પણ તકલીફ વધવા માંડી, અસહ્ય દુખાવો થતા તેમણે તબીબની સલાહ લીધી અને તબીબે નિદાન કરી જણાવ્યું કે ‘ની રિપ્લેસમેન્ટ’ કરાવવું પડશે.

તપાસ કરતાં ખબર પડી કે આ ખર્ચાળ ઓપરેશનમાં તો તેમના સમગ્ર જીવનની બચત વપરાઈ  જાય તેમ છે. એવામાં એમને ગામના જ આરોગ્યકેન્દ્રમાંથી આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મળી. તેમની જરૂરિયાતને સમજી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે તેમને વહેલી તકે કાર્ડ મળે એ માટે ત્વરિત કામગીરી કરી. પ્રતાપભાઈનું કાર્ડ બન્યું અને તેમનું ‘ની રિપ્લેસમેન્ટ’નું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક થઈ ગયું.અને ફરીથી તેમનું જીવન વેગવંતુ બન્યું છે.

દુખાવાની સમસ્યા દૂર થવાની સાથે જીવનભરની બચત સચવાઈ જતાં બમણો ફાયદો થયો: શ્રી પ્રતાપભાઈ

લાભાર્થી શ્રી પ્રતાપભાઈ જાદવએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારની અત્યંત ઉપયોગી યોજના છે. આ યોજના થકી હું ફરી મારા પગ પર ઊભો થઈ શક્યો છું. અને મને કામ કરવામાં સહેજ પણ તકલીફ પડતી નથી. આમ ઘૂંટણની તકલીફને કારણે અટકી ગયેલું જીવન ફરી વેગવંતુ બન્યું છે. ઓપરેશન થઈ જતા વર્ષો જૂની સમસ્યા દૂર થવાની સાથે જીવનભરની બચત સચવાઈ જતા બમણો ફાયદો થયો છે. જેના માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું.

આયુષ્યમાન કાર્ડના લાભથી એક પણ રૂપિયાના ખર્ચ વગર પ્રતાપભાઈનું ઓપરેશન ઓપરેશન થઈ ગયું છે. જેથી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ખરા અર્થમાં જન-જનના આરોગ્યની બાંહેધરી તરીકે પુરવાર થઇ છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડ ધરાવનાર કોઈ પણ ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળે છે. આ ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરિયન ડિલીવરી, ડાયાલિસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના નાગરિકોને બમણો લાભ છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી 10 લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક થઈ રહી છે.

આમ, જન આરોગ્યની આ અતિ મહત્ત્વપૂર્ણ યોજનાથી લાખો ગરીબ પરિવારો પરથી સારવારના ખર્ચનો બોજ હટી જતા આરોગ્યકર્મીઓ સહિત સમગ્ર સરકારને તેમના આશીર્વાદ મળી રહ્યા છે. વિવેક, કુલદીપ – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.