Western Times News

Gujarati News

75 થી વધારે કલાકારોએ સર્જન આર્ટ ગેલેરી ખાતે કલાકૃતિ પ્રદર્શિત કરી

ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૩મા જન્મોત્સવ નિમિતે કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં સર્જન આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનનો પ્રારંભ

આ પ્રદર્શન તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધી બપોરના ૧૨ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેશે

ગુજરાતના કલાગુરુ તરીકે  સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૩મા જન્મોત્સવ નિમિતે તા. ૧ ઓગસ્ટના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી,

વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૭૫થી  વધારે જેટલા સમકાલીન કલાકારોની ૧૧૦ જેટલાં ચિત્રો, ગ્રાફિક્સ અને શિલ્પાકૃતિ દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ અને ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના પૂર્વ ડીન અને કલા ઇતિહાસવિદ પ્રો. ડૉ. દીપક કન્નલના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનના ઉદ્ઘાટન પૂર્વે ડૉ. દીપક કન્નલ દ્વારા “સમકાલીન હોવું” પર વ્યાખ્યાનમાં  વડોદરા ઉપરાંત વિવિધ શહેરોમાંથી કલાકારો અને કલાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ સ્થપાયેલ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત કલા ક્ષેત્રે કાર્યરત સંસ્થા ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના બે વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શન જે અમદાવાદ ખાતે યોજાયેલા હતાં તેમાં ખૂબ જ સફળતા મળેલ અને તેમાં વરિષ્ઠ કલાકારો થી લઈને વૈશિષ્ટિકૃત કલાકારો તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેઓએ પોતાની  ઉત્તમ કલાકૃતિઓ રજુ કરી કલાચાહકોની સરાહના મેળવી હતી.

આ ત્રીજા પ્રદર્શનમાં પણ કલાગુરુ શ્રી રવિશંકર રાવળથી લઈ હાલ કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન તા. ૨ થી ૧૦  ઓગસ્ટ ૨૦૨૪ સુધી બપોરના ૧૨ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી રવિવાર સિવાય કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શનને સફળ બનાવવા સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી, પ્રમુખ ગગજી મોણપરા,  સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ ઉપરાંત કારોબારીના સભ્યો સુશ્રી ગાયત્રી મહેતા, શ્રી મિલન દેસાઈ,શ્રી બંસી ખત્રી, સુશ્રી કૈલાશ દેસાઈ,  થે સર્જન આર્ટ ગેલેરીના હિતેશ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રદર્શનનું  સંચાલન વડોદરાના શિલ્પકાર તેમજ સંસ્થાના ખજાનચી અને સંવાહક કૃષ્ણ પડિયા, ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના અધ્યાપક અને ચિત્રકાર શ્રી અરવિંદ સુથાર અને સર્જન આર્ટ ગેલેરીના રોશની રાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવાનું કાર્ય કરે છે.

ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવે છે.

આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૭૫થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ પ્રદર્શિત કરી છે. વડોદરાના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચ્યો છે ત્યારે દરેક કલાકારની કળાને માણવા જનતાને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.