Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, 50ના મોત: લોકો રસ્તા પર ઉતર્યા

વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગઃ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં ફરીથી સરકાર વિરોધી પ્રદર્શનો શરૂ થયા છે. રાજધાનીમાં ફરી એકવાર શનિવારે (૩ ઓગસ્ટ ૨૦૨૪) હજારો લોકો રસ્તા પર ઉતરીને ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવા લાગ્યા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સત્તાધારી આવામી લીગના સમર્થકો વચ્ચે રવિવારે (૪ ઓગસ્ટ ૨૦૨૪) અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં અને ૩૦ અન્ય ઘાયલ થયા છે. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ અને સમર્થકો વચ્ચેની અથડામણોમાં અત્યાર સુધીમાં ૫૦ લોકોનાં મોત થયાં છે.

ગયા મહિને નોકરીમાં અનામત માટેના વિરોધ પ્રદર્શન દરમિયાન ૨૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. પ્રદર્શનકારીઓ મૃત્યુ પામેલા લોકો માટે જે જવાબદાર છે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી ભડકેલી હિંસા પછી દેશમાં ફરીથી અનિશ્ચિત મુદતનો કર્ફ્‌યૂ લાદવામાં આવ્યો છે.

પ્રદર્શનકારીઓ અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રાજધાનીના સાયન્સ લેબ ચોક પર પણ એકત્રિત થયા અને તેમણે સરકાર વિરોધી નારા લગાવ્યા. વિરોધ પ્રદર્શનના સંયોજકોએ જણાવ્યું કે ઢાકાના સાયન્સ લેબ, ધાનમંડી, મોહમ્મદપુર, ટેકનિકલ, મીરપુર-૧૦, રામપુરા, તેજગાંવ, ફાર્મગેટ, પંથપથ, જત્રાબાડી અને ઉત્તરામાં પણ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.

અખબાર ડેઇલી સ્ટાર અનુસાર, રવિવારે બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીમાં અજાણ્યા લોકોએ અનેક વાહનોને આગચંપી કરી હતી. અહેવાલ અનુસાર, લાકડી-ડંડા લઈને આવેલા લોકોને હોસ્પિટલ પરિસરમાં ખાનગી કાર, એમ્બ્યુલન્સ, મોટરસાયકલ અને બસોમાં તોડફોડ કરતા જોવામાં આવ્યા હતા, જેનાથી દર્દીઓ, સગાંવહાલાં, ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓમાં ભય ફેલાયો હતો.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વાહનોને આગ પણ લગાવી દીધી હતી. મીડિયા સાથે વાત કરતા, ઢાકાના મુન્શીગંજ જિલ્લાના એક પોલીસકર્મીએ કહ્યું કે “આખું શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે”. વિરોધ કરનારા નેતાઓએ વિરોધીઓને પોતાને વાંસની લાકડીઓથી સજ્જ કરવા માટે હાકલ કરી હતી, કારણ કે જુલાઈમાં વિરોધના અગાઉના રાઉન્ડને મોટાભાગે પોલીસ દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશ મીડિયા અનુસાર, બોગુરા, મગુરા, રંગપુર અને સિરાજગંજ સહિત ૧૧ જિલ્લાઓમાં મૃત્યુ થયા છે, જ્યાં અવામી લીગ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સભ્યો સીધો અથડામણ કરી હતી.

બાંગ્લાદેશના ૧૯૭૧ના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં ૩૦ ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને વિરોધ શરૂ થયો હતો. વિરોધ ઉગ્ર થતાં, સુપ્રીમ કોર્ટે ક્વોટા ઘટાડીને ૫ ટકા કર્યો, જેમાંથી ૩ ટકા લડવૈયાઓના સંબંધીઓને આપવામાં આવ્યો. જો કે, વિરોધ ચાલુ રહ્યો, વિરોધીઓએ અશાંતિને ડામવા માટે સરકાર દ્વારા કથિત રીતે અતિશય બળના ઉપયોગ માટે જવાબદારીની માંગણી કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.