કેદારનાથમાં 500થી વધારે યાત્રાળુ હજુ પણ ફસાયેલા છે
(એજન્સી)કેદારનાથ, પહાડોથી લઈને મેદાન સુધી આ સમયે કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જ કેદારનાથ પાસે વાદળ ફાટવાને કારણે કેદારનાથ મંદિરે જતા રસ્તા ધોવાઈ જતા ચારધામની યાત્રાએ કેદારનાથના દર્શન કરવા આવેલા લગભગ સાડા નવ હજાર લોકો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ફસાઈ ગયેલા લોકોમાંથી ૯૦૦૦ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ૫૦૦ લોકો હજુ પણ ફસાયેલા છે.
રૂદ્રપ્રયાગના સોનપ્રયાગમાં થયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ગુમ છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટવાને કારણે ૬ લોકોના મોત થયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાને કારણે ખેતરોમાં લહેરાતો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ઉત્તરાખંડ સરકારે સોનપ્રયાગ ઘટના પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કેદાર ઘાટીમાં વાદળ ફાટવાને કારણે લગભગ સાડા નવ હજાર લોકો ભૂસ્ખલન અને રસ્તા ધોવાઈ કે તુટી જવાને કારણે અટવાઈ ગયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૯૦૦૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હવે રાહત ટીમ બાકીના ૫૦૦ લોકોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
રાહત કાર્યમાં ચિનૂક અને સ્ૈં ૧૭ હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે. જો કે, ખરાબ હવામાનને કારણે, આ હેલિકોપ્ટર પણ રાહત કાર્યની સાથે સાથે, યાત્રા માર્ગ પર ફૂટ બ્રિજને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.