Western Times News

Gujarati News

પ્રેમઃ દિને દિને નવમ્‌ નવમ્‌

Files Photo

આપણે ત્યાં પતિ-પત્ની માટે કહેવાયું છે કે વાસણ તો ખખડે..! પણ બીજી કહેવતે ય એવી છે કે ડાંગે માર્યા પાણી જુદાં ન પડે..!

પ્રેમ એ પથદર્શન છે. માનવ તરીકેનુ અવતરણ આ ભાથું લઈને આવે છે. આપણી સામાજિકતાનો પાયો પ્રેમ છે. જે તેને સમજી શકે તે પોતાનું જીવન ધૂપસળી સરખું જીવી જાણે.સૌ કોઈ સાથે લાગણીના તંતુઓ જોડાયેલાં રહે તો જીવવું એકમેકને સાર્થક લાગે. તમારાં હૃદયના ગોખે કોઈ ડોકું કાઢીને દિલના ચોકમાં આવીને એક ખૂણામાં લપાઈને જાય.

તન- મન -બુદ્ધિના બધાં જ રસ્તાઓ એક દિશાએ વહેવા લાગે..!તમે તમારી જાતથી વધુ પ્રતિપક્ષની કાળજી લેવા લાગો.! તમને કોઈની હાજરીની ઝંખનાના દિવાસ્વપ્ન દેખાય..!? કોઈ ની ગેરહાજરી તમને કાંટો થઈને ચુબે .! તો એવાં તારણ પર આવી શકાય કે સ્નેહનો એક સેતુ પ્રેમરસ થઈને પ્રગટ થયો છે.ઝાલર વગાડો,ડેલીએ દિવો કરો,અમ ઘેર આનંદ ભયો..!

અહીં માત્ર વિજાતીય આકર્ષણ કે વિજાતીય વ્યક્તિઓ સાથે એકમેકનું ઓગળી જવાનુ વાતને અટકાવતું નથી.પરંતુ સાર્વત્રિક સ્નેહની વાત અહીંયાં મુકવી છે.ભાઈ -ભાઈ વચ્ચે કે પિતા-પુત્ર,બહેન -ભાઈ વચ્ચે સંધાયેલા સેતુબંધ સ્નેહ તાતંણા સાંધે છે. આજે જોકે આપણે મર્યાદિત માળખામાં તેને ગોઠવી દીધો છે.

અર્થને સંગોપી દઈ તેને અન્યાય કર્યો છે.આ માળખું પતિ- પત્ની કે પ્રેમી-પ્રેમિકા પૂરતું જ સીમિત રહી જવાં પામ્યું છે.

હા, તેમાં એક આકર્ષણ ઉમેરાયેલું રહે છે તેથી કદાચ તેની માત્રા કે કક્ષા વધું હોઈ શકે.તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી. પરંતુ તેમ છતાં ત્યાં તેને સીમારેખાઓમાં બાંધી શકાય નહીં..! કોઈપણની સાથે તમારાં લાગણીભર્યા સંબંધોનો કદાપિ અંત ન આવવો જોઈએ.ચાહે તે નાનાં-મોટાં મનમટાવ હોય,ભેદભાવ કેમ ન હોય.

આપણે ત્યાં પતિ-પત્ની માટે કહેવાયું છે કે વાસણ તો ખખડે..! પણ બીજી કહેવતે ય એવી છે કે ડાંગે માર્યા પાણી જુદાં ન પડે..! હા, ક્યાંક મતભેદ થઈ શકે. વિચારની, સમજની પ્રક્રિયામાં એકબીજા સામસામે કિનારે હોઈ શકે પરંતુ તે વિખૂટાં પડતાં નથી. ભૂલોનુ સતત રટણ કરવું અથવા વાગોળીને બંને વચ્ચે અંતર વધારવાનું ઉચિત નથી.બધું ભૂલો અને આગળ વધો. દોષમુક્ત કોઈ

નથી પણ ક્ષમ્યતા શ્રેષ્ઠતાનો આર્વીભાવ છે.ઉ. ત. કહીં શકાય કે ગોપીઓની સાથે કૃષ્ણે નટખટતા દાખવી હતી તે કદાચ ક્ષમાપાત્ર નથી જ સ્ત્રીઓની લજ્જાને કોઈ ખૂંચવી લે તો કઈ રીતે ક્ષમાપાત્ર હોય..! કૃષ્ણે ગોપીઓના વસ્ત્રો સંતાડી દીધેલાં તોપણ ગોપીઓનો તેના તરફનો આવિર્ભાવ તલભાર ઓછો નહોતો થયો.

બલ્કે તેમાં સતત ઉમેરો થયાં કરેલો.ભુલો થવાની સંભાવના સૌ કોઇમાં દબાયેલી છે અને તેનું આવીષ્કરણ પણ થતું રહે છે. પરંતુ તેને યાદ રાખીને નહીં પરંતુ તેના સુધારામાં સહાયભૂત થઈને જીવતાં શીખવું જોઈએ,તો પ્રેમ વધતો રહે છે.સમજણનો નાતો પ્રેમ સાથે અતુટ છે. ભરત રામના સદગુણોને યાદ કરીને પોતાનાં ભાતૃપ્રેમમાં વિહ્વળ થઈને દોડે છે.

તેમનો અખૂટ નિર્મળતા સભર સ્નેહનો ઝરો રાજગાદીને તિરસ્કૃત ગણીને તેની પાદુકા પૂજન માટે લાચાર બનાવે છે. તે છે સમજણની દિવ્યતાનો પ્રકાશપુંજ. સદગુણોને વાગોળીને, કરુણાને નોંતરી શકાય.તમારામાં વહેતી આ ભાવગંગાનો પ્રવાહ તૂટશે તો નહીં પરંતુ જેટલું સિંચન થશે તેટલો ધોધ વધું પ્રબળ થઈને વહેતો રહેશે.

એવા દાખલાઓ પણ સાંપ્રત છે કે એકમેક છોને જુદાં હોય પરંતુ એકાકાર થઈને પ્રવાહિત થતાં રહ્યાં હોય,કોઈનું ગંતવ્ય ક્યારેક અટકી જાય તો બીજી વ્યક્તિ પણ તરત જ સ્થિર થઈ જાય. તેથી જ શેખાદમ આબુવાલા કહે છે. જરી સમજી-વિચારી લે પછી હંકાર હોડીને મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો. તકની સંચળતાને નજર અંદાજ કરીને ગરોળી પોતાના શિકારને લપકાવે તે રીતે તેને પકડી લેતાં શીખીએ અને એકમેકને ગમતાં રહેવા પ્રશંસાની તકનું પોંખણું કરતાં રહીએ.

પ્રસંગો જીવનને રગદોળે અને ઉજાળે પણ છે. પરંતુ જે તેને માણી જાણે ત્યાં ઉજાણી હાથવગી હોય. આપણી રોજિંદી નૈયામાં સાથી સંગાથીઓના હૈયામાં રહેવાની મથામણ પ્રેમને નવા શિખર ઉપર લઈ જાય છે.

ભુલોને ભંડારી અને સુખદ વિતકોની વર્ષા કરતાં રહીએ.સામેનાની ગેરસમજ, અણઆવડતને અણગમો કરીને પ્રગટ થવાં દેવો નથી.પંરતુ એવી ઘડીઓની શોધ રહે કે જ્યાં પરસ્પરના સ્નેહનાં પ્રગટીકરણ માટે ભેટ સોગાદ પણ વહેવાર નિભાવતાં રહીએ. બસ એક જ સુત્ર કુછ તુમ ચલો કુછ હમ ચલે યુ રાસ્તા આનંદ સે કટતે રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.