Western Times News

Gujarati News

આપણને કોઈએ મદદ કરી હોય પછી એ આપણને સતત યાદ કરાવ્યા રાખે છે!

પ્રતિકાત્મક

ગિલ્ટ ટ્રીપિંગઃ ભૂલને વારે વારે યાદ કરાવનારથી ચેતી જવું !

આપણી જિંદગીમાં કેટલીક વખત એવા લોકો આવી જાય છે, જે આપણી ભૂલને માફ તો કરી દે છે, પણ ભૂલને ભૂલવા નથી દેતા. કોઈ ને કોઈ રીતે એકની એક વાત યાદ કરાવીને આપણને ગિલ્ટ ફીલ કરાવતા રહે છે. આપણે સમજણા થયા ત્યારથી એક વાત સાંભળતા આવ્યા છીએ, કે માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસથી ક્યારેક તો કોઈ ભૂલ થઈ હોય છે.

કોઈ ભૂલ હળવી હોય છે અને કોઈ ભૂલ ગંભીર પણ હોય છે. ઘણી વખત આપણે કંઈક કરતા હોઈએ ત્યારે આપણને એ ખબર નથી હોતી કે, આપણે ભૂલ કરી રહ્યા છીએ. કેટલીક ભૂલો અજાણતા જ થઈ જતી હોય છે. આપણે કોઈના પર ભરસો મુક્યો હોય અને એ વ્યક્તિ આપણને છેતરે પછી આપણને માન થાય છે કે એની સાથે સંબંધ રાખીને મેં ભૂલ કરી.

જાણે અજાણે આપણાથી નાની મોટી ભૂલો થતી રહે છે. ભૂલોના કારણે આપણામાં એક અપરાધાભાવ પણ પેદા થતો હોય છે. આપણને ગિલ્ટ પણ થાય છે. મારાથી આવું થઈ ગયું ? મારે આવું કરવું નહોતું. કેટલાક કિસ્સામાં તો આપણે આપણી જાતને કોસતા પણ હોઈએ છીએ. ઘણા લોકોથી પોતાની ભુલ જ સહન થતી નથી.

મારાથી આવું થાય જ કેમ ? અરે ભાઈ, થઈ જાય. ભગવાને પણ ભૂલો કરી છે, આપણે તો માણસ છીએ! ભૂલો વિશે એક વાત યાદ રાખવા જેવી છે કે, ભૂલને બને એટલી ઝડપથી ભૂલી જવી. બીત ગઈ સો બાત ગઈ. ગિલ્ટમાંથી પણ બહાર નીકળવું પડે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જયારે આપણી નજીકના લોકો જ આપણને આપણી ભૂલ ભૂલવા નથી દેતા.

એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. એ છોકરી એની સાથે ફરવા લાગી. છોકરીનો એક દોસ્ત હતો. તેણે છોકરીને કહ્યું કે, એ માણસ સારો નથી. તું એની સાથે સંબંધ રાખીને ભુલ કરે છે. છોકરીએ પોતાના મિત્રની વાતને ગણકારી નહી. તેણે મિત્રને મોઢામોઢ કહી દીધું કે, મારું સારુંનરસું હું સારી રીતે જાણું છું.

તું મિત્ર છે એમાં ના નહી, પણ એક હદથી વધારે મારી પર્સનલ લાઈફમાં માથું ન માર. મિત્રએ કહ્યું, તારું ભલું ઈચ્છું છું એટલે તને કહું છું, બાકી તારી મરજી, જે કરવું હોય એ કર. થોડા સમયમાં એવું થયું કે, છોકરીને તેના બોયફ્રેન્ડનો ખરાબ અનુભવ થયો. તેણે બ્રેકઅપ કરી નાખ્યું, છોકરીના દોસ્તને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું, હું તને પહેલેથી કહેતો હતો, પણ તારે કોઈ વાત સમજવી જ નહોતી.

પસ્તાવું પડયું ને? છોકરીએ કહ્યું, તારી વાત સાચી છે. મેં તારી વાત માની નહોતી એ વાત પતી ગઈ. એ પછી થતું એવું કે, છોકરી બીજા કોઈ પણ છોકરા સાથે બોલે કે તરત જ તેનો ફ્રેન્ડ કહે કે, ધ્યાન રાખજે હોં, પેલા જેવું ન થાય, એક ભૂલ કરી છે, બીજી ન કરતી. છોકરીએ એક હદ સુધી તો મિત્રની વાત સાંભળી લીધી, પણ આખરે તેને કહી દીધું કે, વારેવારે તું મને એ વાત યાદ ન કરાવ. હું માંડ ભુલું છું ત્યાં તું મને એ વાત યાદ કરાવે છે.

વારેવારે આવું કહીને તું શું સાબિત કરવા માંગે છે ? પેલા મિત્રની જેમ ગિલ્ટ ટ્રીપિંગમાં લેનારા આપણી આસપાસ જ હોય છે. એવા લોકોથી સાવચેત રહેવું પડે છે. એને જો કંટ્રોલ ન કરીએ તો આપણને હંમેશા અપરાધભાવમાં જ રાખે છે.

ઘણાં મા-બાપ પણ સંતાનોથી થઈ જતી ભુલોને વારે વારે યાદ કરાવીને ટોકતાં રહે છે. એના કારણે બાળક સતત અપરાધભાવમાં રહે છે અને એક તબકકે પોતાને દોષી પણ સમજવા લાગે છે. બાળકના માનસિક વિકાસને એનાથી મોટો ધક્કો પહોંચે છે. ઘણા લોકો જાણી જોઈને અપરાધભાવનો અહેસાસ કરાવતા રહે છે. એમાં એને સેડેસ્ટિક પ્લેઝર મળતું હોય છે. કેટલાકને ખબર જ નથી હોતી કે, હું જે કરું છું એ ગિલ્ટ ટ્રિપિંગ છે.

એનો ઈરાદો ભલે ખરાબ ન હોય, પણ એ આપણું મગજ બગાડી નાખતા હોય છે. એવા લોકોને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે કે, વારે વારે મને એકની એક વાત કહેવાની જરૂર નથી. એક વાર કહ્યું એમાં આવી ગયું. હવે બંધ થા.

ગિલ્ટ ટ્રિપિંગની એક બીજી રીત પણ છે. કોઈએ આપણને મદદ કરી હોય પછી એ આપણને સતત યાદ કરાવ્યા રાખે. તને ખબર છે ને, જયારે તને જરૂર હતી ત્યારે હું તારી પડખે ઉભો રહ્યો હતો. ભૂલી ન જતો. મદદ નાની હોય કે મોટી, એ આપણને ભૂલવા જ નથી દેતા ! ક્યારેક એવું થાય કે આની મદદ લઈને મેં જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે.

ઘણા લોકો સર્કાસ્ટિક કમેન્ટ કરીને પણ આપણામાં અપરાધભાવ પેદા કરે છે. કેમ ભૂલી ગયો પેલી ઘટના ! તારી મને બધી ખબર છે ! આ અને આવા શબ્દો વાપરીને એ ટિપ્પણીઓ કરતા રહે છે. ક્યારેક તો આવી ઘટનાઓ ગાળાગાળી અને મારામારી સીધી પહોંચી જાય છે. ગિલ્ટ ટ્રિપિંગથી સંબંધો બગડયા હોવાના અનેક કિસ્સાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.