Western Times News

Gujarati News

સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી કરાઈ

પોતાના ઘરથી દૂર મોટા શહેરમાં દીકરાદીકરીઓ સલામતસુરક્ષિત રીતે રહીને ભણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ છાત્રાલયોનું નિર્માણ કરાયું:—મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા

મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું કુમ કુમ તિલક કરી છાત્રાલય પ્રવેશ અપાયો

અમદાવાદ સમરસ કન્યા છાત્રાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું કુમ કુમ તિલક કરી છાત્રાલય પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબારીયાએ કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, પોતાના ઘરથી દૂર મોટા શહેરમાં દીકરા-દીકરીઓ સલામત- સુરક્ષિત રીતે રહીને ભણી- ગણીને આગળ વધી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, તમામ સમાજના દીકરા- દીકરીઓ એક જ છત નીચે રહીને ભણી શકે અને પોતાના સપના સાકાર કરી શકે એ માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમરસ છત્રાલાયોનું નિર્માણ કરાવ્યું છે. આ સમરસ છાત્રાલયોમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, તમારા માતા-પિતાએ તમારા પર ખૂબ વિશ્વાસ મૂકીને અહીં ભણવા મૂક્યા છે ત્યારે એક લક્ષ્ય નક્કી કરી તેને સાર્થક કરવા તનતોડ મહેનત વડે તમારા પોતાના, માતા-પિતાના અને સમરસ હોસ્ટેલના સપના સાકાર કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ.

તેમણે સમરસ હોસ્ટેલની દીકરીઓને કહ્યું કે, હોસ્ટેલ જીવન દરમિયાન નાની મોટી મુસીબતોમાં એકબીજાને મદદ કરવાની ભાવના રાખવી જોઈએ તથા સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને અભ્યાસમાં   માર્ગદર્શન આપવું જોઈએ.

મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા જણાવ્યું કે, મહિલાઓના સશક્તિકરણ માટે તારીખ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન દર વર્ષે ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન અલગ-અલગ થીમ પર મહિલા સશક્તિકરણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ સમરસ હોસ્ટેલની દીકરીઓ સાથે બેસી સાંજનું ભોજન લઈ દીકરીઓને કેવું ભોજન આપવામાં આવે છે એના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.

આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે સમજ તથા સાયબર ક્રાઇમ અને 181 મહિલા અભયમ હેલ્પલાઇન વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમરસ છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ લાઈફ વિશે પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, હોસ્ટેલમાં અજાણ્યા લોકો વચ્ચે રહેતા રહેતા થોડા સમયમાં પોતાના થઈ જવાય છે.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, મહિલા કલ્યાણ નિયામક શ્રીમતી કે. એસ. યાજ્ઞિક અને નાયબ નિયામક શ્રી નીતાબહેન ગામી, વહીવટી અધિકારીશ્રી જે. પી. સોલંકી, શ્રીમતી એમ. એચ. પટેલ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી સહિત સમરસ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.