ચંડોળા તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મરણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ચંડોળા તળાવ ડેવલમેન્ટ ની કામગીરી ચાલી રહી છે. જેના માટે સમગ્ર તળાવ ખોદી કાઢવામાં આવ્યું છે. વરસાદી સિઝન હોવાથી તળાવમાં ખોદવામાં આવેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મૃત્યુ થયા હોવાની દુ:ખદ ઘટના બની છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ચંડોળા તળાવ નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે તળાવને અંદાજે 10 થી 12 ફૂટ જેટલું ખોદવામાં આવ્યું છે. હાલ વરસાદ ની સિઝન ચાલી રહી હોવાથી આ ખાડામાં પાણી ભરાઈ ગયા હતા.
ચંડોળા તળાવની બાજુમાં આવેલા દેવીપુજક વાસમાં રહેતા મેહુલ પ્રકાશભાઈ દેવીપુજક, આનંદ ગોપાલભાઈ દંતાણી અને જિજ્ઞેશ ગોપાલભાઈ દંતાણી એમ ત્રણ બાળકો તળાવમાં સોમવારે બપોરે રમવા માટે ગયા હતા.
જો કે, મોડી સાંજ સુધી ત્રણેય બાળકો ઘરે પરત ફર્યા નહોતા. બાળકો ગુમ થતા પરિવારે શોધખોળ કરી હતી. બાળકોને શોધવા માટે તળાવ ડેવોલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે તે સ્થળે ખોદવામાં આવેલા ખાડામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
ત્યારે 8થી 10 ફૂટ ઊંડા એક ખાડામાં જ્યારે તપાસ કરી તો ત્રણેય બાળકો અંદર ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા હતા. ત્રણેયને એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, બાળકોના પહેલાથી જ મૃત્યુ થઈ ગયા હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેઓને મૃત જ જાહેર કર્યા હતા.