Western Times News

Gujarati News

સાબરમતી નદીના પાણીમાં છવાયેલા જંગલી વેલના સામ્રાજ્યને દૂર કરાયું

File

(એજન્સી)અમદાવાદ, શહેરની વચ્ચોવચ થઈને વહેલી સાબરમતી નદી ફકત અમદાવાદની જ નહીં પરંતુ તેના જાજરમાન રિવરફ્રન્ટના કારણે સમગ્ર દેશની શાનરૂપ બની છે. સાબરમતી નદી ચોખ્ખીચણાક રહે તે માટે મ્યુનિસિપલ તંત્ર પ્રયત્નશીલ છે. સાબરમતી નદીમાં જંગલી વેલની લીલીછમ ચાદર પથરાતા તેની સફાઈની કામગીરીને પણ સત્તાવાળાઓએ ખાસ મહત્ત્વ આપ્યું છે. અત્યારે મહદઅંશે નદીમાંથી જંગલી વેલ અને લીલ કાઢી નદીના પાણીમાં દૂર કરાઈ હોવાની વિગત જાણવા મળી છે.

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ ઉપરાંત જંગલી વેલ અને લીલના કારણે પણ ગંદકી જોવા મળતી આવી છે. આનાથી નદીમાં પ્રદૂષણ તો વધે જ છે. ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાઈ છે. જંગલી વેલ અને લીલની ચાદર પથરાઈ જવાથી નદીનું પાણી દુર્ગંધ મારે છે અને નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને દુર્ગંધથી ત્રાસ અનુભવાય છે.

મ્યુનિ. તંત્ર દ્વારા નદીને સ્વચ્છ રાખવા માટે કુલ ચાર સ્કીમર મશીન વસાવવામાં આવ્યા છે. આ સ્કીમર મશીન આશરે દોઢથી પોણા બે કરોડ રૂપિયાની કિંમતના છે. સ્કીમર મશીનની મદદથી નદીમાં વેલ અને લીલ દૂર કરવાની કામગીરી ઝડપભેર હાથ ધરાતી આવી છે. ગત તા.૧પ જુલાઈથી સાબરમતી નદીને લીલ અને જંગલી વેલથી મુક્ત કરવાની કામગીરી શરૂ કરાઈ હતી.

સાબરમતી રિવરફ્રન્ટ જરલ મેનેજર અને પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગના વડા દીપક પટેલ આ અંગે વધુ માહિતી આપતા કહે છે કે તંત્રની આ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૩૦૦ મેટ્રીક ટન કચરો નદીના પાણીમાંથી બહાર કાઢયો છે. આ તમામ કચરાનો પીરાણા ડમ્પ સાઈટ ખાતે નિકાલ કરવામાં આવ્યો છે. હવે લગભગ આખી નદી વેલ-લીલ સહિતના કચરાથી મુક્ત થઈ ગઈ છે તેવું કહી શકાશે.

સાબરમતી નદીના પાણીમાંથી જંગલી વેલ અને લીલ દૂર કરવાની કામગીરીમાં ચાર સ્કીમર મશીન, દસ ટ્રક, ત્રણ જેસીબી અને ચાર ટ્રેકટરને કામે લગાડવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ રેલવેબ્રિજના બન્ને છેડે નાનકડા પટ્ટામાં થોડી ઘણી લીલ જામેલી છે, જેને હવે ગણતરીના કલાકોમાં દૂર કરી નખાશે. લીલ અને જંગલી વેલ દૂશ્ર કરતી વખતે તંત્રએ ત્રણ-ચાર સ્પોટ નક્કી કર્યા છે. રિવરફ્રન્ટ હાઉસ પાસેથી આ ગંદકી દૂર કરીને તેની નજીકના સ્પોટ નક્કી કર્યા છે.

રિવરફ્રન્ટ હાઉસ પાસેથી આ ગંદકી દૂર કરીને તેની નજીકના સ્પોટ પર ગંદકી ઠલવાતી રહી હતી. અટલબ્રિજ અને ક્રૂઝ પાસેની ગંદકીને પણ આ સ્પોટ પર ઠાલવવામાં આવતી હતી.

સરદારબ્રિજ આસપાસના વિસ્તારોમાં એકત્ર કરાયેલા કચરાને તેની નજીકના ઘાટ પર એકઠો કરાતો હતો. સુભાષ બ્રિજના છેડે દધિચીબ્રિજ સહિતના વિસ્તારમાંથી ભેગા કરાયેલા કચરાને એકત્રિત કરાતો હતો. આ તમામ સ્પોટ પર જમા થયેલા કચરાને તંત્ર દ્વારા ટ્રક મારફતે પીરાણાની ડમ્પ સાઈટ ખાતે લઈ જવામાં આવતો હતો અને ત્યાં તેને ડમ્પ કરાતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.