પ્રધાનમંત્રી કિસાન યોજનાથી માત્ર અડધા ખેડૂતોને જ ફાયદો
નવી દિલ્હી, ખેડૂતોને આર્થિક મદદ આપવાના આશયથી શરૂ કરવામાં આવેલ મોદી સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન યોજના નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં નિર્ધારીત ૧૪ કરોડ ખેડૂતોમાંથી ફકત અડધા ને જ લાભ આપી શકી છે. આધાર લીંક કરવામાં પરેશાની, જમીન રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવી અને ખરાબ ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે આ યોજનાના મુખ્ય રોડા છે.
કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ થયેલ રિપોર્ટ આવું કહે છે. પીએમ કિસાન યોજનાથી ૭,૧૭,૪ર૯પ૯ ખેડૂતોને લાભ મળ્યો છે. બાકીના ૬.૯ કરોડ ખેડૂતોને માર્ચ ર૦ર૦ સુધીમાં આ યોજના સાથે જોડવાનું લક્ષ્ય રખાયું છે. આધાર નંબરને બેંક ખાતા સાથે લીંક કરવામાં થતી મુશ્કેલીઓને લક્ષ્યથી પાછળ રહેવાનું મુખ્ય કારણ ગણાવાયા છે. પીએમ કિસાન ડેટાબેઝમાં નોંધાયેલ નામ સહિત અન્ય માહિતીઓનું આધારકાર્ડમાં રહેલ ડેટા સાથે ન મળવું પણ ચુકવણુ ન થવાનું એક મોટું કારણ છે.
યુપી, બિહાર, ઝારખંડ જેવા રાજયોમાં જમીન રેકોર્ડ ઉપલબ્ધ ન થવાથી લાભાર્થીઓની ઓળખમાં મુશ્કેલી થઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ ઇન્ટરનેટ કનેકટીવીટીથી પીએમ કિસાન ડેટા બેઝ પર ખેડૂતોની વિગતો નાખવામાં મુશ્કેલી પણ યોજનાના ક્રિયાન્વયમાં બાધા રૂપ બની રહ્યું છે. આ યોજના માટે ૭પ હજાર કરોડ રૂપિયા એલોટ કરાયા હતા પણ તેમાંથી ર૧ ઓકટોબર ર૦૧૯ સુધીમાં ફકત ૩રપ૭૭ કરોડ એટલે કે ૪૩ ટકા રકમ જ વપરાઇ છે.