સુરતમાં આર્થિક તંગીથી વેપારી, બેકાર યુવક સહિત ત્રણનો ફાંસો ખાઈ આપઘાત
સુરત, સુરતમાં આપઘાતો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. વધુ ત્રણ વ્યક્તિઓએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જેમાં લિંબાયતમાં વાહોની લે-વેચ કરતાં વેપારી, વેસુના બેકાર યુવક અને સચિનના શ્રમિક ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાત કરાર ત્રણેય વ્યક્તિના મોત પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું હાલ બહાર આવ્યું છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી ખાતે આવેલા સ્લમ બોર્ડમાં રહેતા ૪૬ વર્ષીય રમઝાન હબીબ મેમણે ગઈકાલે સાંજે પોતાના ઘરમાં છતના હુક સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકને વાહન લે-વેચનો વ્યવસાય કરતા હતા. હાલમાં મંદીના કારણે પોતાનો વ્યવસાય બરોબર ચાલતો ન હતો જેથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
વેસુ ખાતે સુડા આવાસ પાસે આવેલા હેડગેવાર કોલોનીમાં રહેતા ૩પ વર્ષના રામબાલક યનીપ્રસાદ પાલે ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં કપડા સૂકવવા માટે દોરી બાંધવાના દિવાલ સાથે લગાવેલા હુક સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પિતાના મોતથી ત્રણ સંતાન નોંધારા બન્યા છે. મૃતક છૂટક મજૂરી કરતા હતા. છેલ્લા કેટલાક દિવસથી કામ નહીં મળતાં ઘરે બેકાર બેઠા હતા. આર્થિક તંગી સર્જાતા કંટાળી આ અંતિમ પગલુંનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
ત્રીજા બનાવમાં મૂળ ઝારખંડના વતની અને હાલમાં સચિનના પાલી ગામ ખાતે રહેતા ૩પ વર્ષીય દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડે ગઈકાલે બપોરથી સાંજના સમય દરમિયાન પોતાના ઘરે લોખંડની એંગલ સાથે ટી-શર્ટ વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. દેવેન્દ્રસિંહ છૂટક મજૂરી કરતાં હતા પણ તેમને પણ કામ નહીં મળતું હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હતા. આખરે આર્થિક સંકડામણથી કંટાળી અંતિમ પગલું ભર્યું કહોવાનું હાલ સામે આવ્યું છે.
મૃતકનો પરિવાર પોતાના વતનમાં રહે છે અને તેઓ સુરતમાં રૂમ પાર્ટનર સાથે રહેતા હતા. આપઘાતના બનાવ અંગે સચિન પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.