અમદાવાદ ખાતે સોશિયલ મીડિયાના ઈન્ફ્લુઅન્સર્સ ફોરમ યોજાઈ
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે અને યુનિસેફ ગુજરાતના સહયોગથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ખાતે સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ઈન્ફ્લુઅન્સર્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફોરમમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ કરતાં યુનિસેફ-ગુજરાતના ન્યુટ્રીશન સ્પેશ્યાલિસ્ટ ડૉ. કવિતા શર્માએ જણાવ્યું હતું કે, સ્તનપાન ન કરાવવાથી ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ મોટું નુકસાન થાય છે. બાળ મરણ, કુપોષણ અને અન્ય બીમારી જેવાં ગંભીર પરિણામો જોવા મળે છે. તેથી વિશ્વમાં પ્રતિ વર્ષ તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થકી સમાજમાં સ્તનપાનનું મહત્વ સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
તેઓશ્રીએ સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકોને પરિવાર અને સમાજ તરફથી હુંફ – ટેકો આપવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે બાળકને જન્મના એક કલાકમાં જ માતાનું ધાવણ આપવું એ અમૃત સમાન છે. ગળથૂથીમાં મધ કે ગોળનું પાણી ચટાડવું, ગાય કે બકરીનું પીવડાવવું જેવી રૂઢિઓથી દૂર રહી શરૂઆતથી જ માતાનું દૂધ આપવું જોઈએ તેવો સંદેશ દરેક પરિવાર સુધી પહોંચે તે જરૂરી છે.
તેઓશ્રીએ સ્તનપાન અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ, કુરુઢિઓ, ખોટી પરંપરાઓ દૂર કરવામાં સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરવાનું જણાવી જન્મના પ્રથમ કલાકથી છ માસ સુધી સ્તનપાન કરાવવાની અગત્યતા અને જરૂરિયાત અંગે સામાજિક જાગૃતિ ઉભી કરવાના પ્રયાસમાં જોતરાવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં યુનિસેફના ન્યુટ્રીશન ઓફિસર શ્રી સૌમ્યા દવેએ સ્તનપાનને પ્રોત્સાહન, સમર્થન, રક્ષણ તથા સ્તનપાનનું મહત્વ સમજાવતું પ્રેઝન્ટેશન રજૂ કરતાં બાળકની વૃદ્ધિ અને વિકાસ માટે સ્તનપાન ખૂબ જ જરૂરી છે તે માટે જીવનમાં માતાના ધાવણનો કોઈ વિકલ્પ નથી તેમ જણાવી સ્તનપાન વિષય પ્રત્યેનું ‘અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ…’ એ સુત્રને લોકો સુધી વિવિધ પ્રચાર માધ્યમોથી પહોંચાડવા ઉપર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે સ્તનપાન તથા પોષણ વિષયક ટેકનીકલ બાબતોની જાણકારી યુનિસેફ કન્સલ્ટન્ શ્રી હાર્દિક શાહ અને ડૉ.કુલદીપસિંગે પૂરી પાડી હતી.
પ્રારંભમાં કન્સલ્ટન્ટ શ્રી કુમાર મનીષે કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું જ્યારે કેપ્ટન જયદેવ જોશીએ આભાર દર્શન કર્યું હતું.
આ ફોરમમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, લિંક્ડ-ઈન, એક્સ, જોશ, શેરચેટ, યુ-ટયુબ, પૉડકાસ્ટ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રવૃત્ત ઈન્ફ્લુઅન્સર્સ સહિત શોર્ટ ફિલ્મ નિર્માણ, કન્ટેન્ટ ક્રિએશન જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ પ્રભાવકોએ ભાગ લઈ સમાજમાં સ્તનપાનનું મહત્વ સમજાવવામાં સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.