પ્રવાસ ભથ્થાં સહિતના નવ ખર્ચ સરકારે બંધ કરી દીધા
અમદાવાદ: રાજ્ય સરકારે કર્મચારીઓને આપવામાં આવતી વિવિધ પેશગીઓ પૈકી કેટલીક પેશગીઓનો કર્મચારી દ્વારા ઉપયોગ કરવામાં આવતો નહી હોવાથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પ્રવાસ ભથ્થાંથી લઈને રજા પગાર પેશગી સહિત નવ જેટલી પેશગી બંધ કરી છે. આ પેશગીઓની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ વર્ષના અંતે ગ્રાન્ટ સરેન્ડર કરવી પડે છે. જેથી ઓડીટ પેરા પણ ઉપસ્થિત થાય છે. તેમજ ૭માં પગારપંચનો અમલ થતાં કર્મચારીઓના પગારમાં થયેલા વધારાને ધ્યાને લેતા કેટલીક પેશગીઓ હાલના સમયે અસ્થાને લાગે છે. જેથી આ પ્રકારની પેશગીઓ રદ કરવાની બાબત અંગે સરકાર વિચાર કરી રહી હતી. જે અંગે વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે આ પેશગીઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજય સરકારના આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓમાં થોડી નારાજગીની લાગણી ફેલાઇ છે. સરકાર દ્વારા જે પેશગી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, તેમાં સાયકલ ખરીદવા માટેની પેશગી, પંખા ખરીદવાની પેશગી, અનાજ પેશગી, તહેવાર પેશગી, રજા પગાર પેશગી, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને તાત્કાલિક નાણાંકીય રાહત પુરી પાડવા માટેની પેશગી, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને વતન પ્રવાસ ખર્ચને પહોંચી વળવા માટેની પેશગી, પ્રવાસ-ભથ્થાં પેશગી અને ખાતાકીય હેતુ માટેની પેશગી એમ કુલ નવ ખર્ચનો સમાવેશ થાય છે. આ તમામ ખર્ચ બંધ કરી દેવાતાં કર્મચારી વર્ગમાં થોડી નારાજગીની લાગણી જાવા મળી રહી હતી.
જા કે, સરકારે પુખ્ત વિચારણાના અંતે આ નિર્ણય કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. તેનુ એક અને મુખ્ય કારણ એ પણ છે કે, ઉપરોકત નવ પેશગી-ખર્ચમાંથી મોટાભાગમાં તો, કર્મચારીઓ તેનો ઉપયોગ જ નથી કરતા તેના કારણે સરકારને બિનજરૂરી ગ્રાન્ટ વર્ષના અંતે પરત કરવી પડતી હોય છે, તેથી સરકારે આ કડાકૂટમાંથી મુકિત મેળવવા નવ પેશગી ખર્ચ જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.