ગુજરાતમાં પાનધારકોની સંખ્યા 11 ટકા વધી પરંતુ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલિંગ 7.5 ટકા ઘટ્યું
કેન્દ્રીય નાણાંમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર
ગુજરાતમાં પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ધારકોની સંખ્યા નાણાંકીય વર્ષ 2017-18માં 2,31,66,632 હતી જે નાણાંકીય વર્ષ 2018-19માં2,57,18,319 થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીએ 11 ટકાનો વધારો દર્શાવે છે. જો કે, ઇન્કમ ટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા 7.5 ટકાના ઘટાડા સાથે નાણાંકીય વર્ષ2017-18માં 71,41,250 હતી જે નાણાંકીય વર્ષ 2018-19માં 66,05,231 થઈ. કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આ માહિતી જૂન 25,2019ના રોજરાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.
ગુજરાતમાંથી સીધા કરવેરાની આવક પાછલા ના.વ.2018-19માં 9.3 ટકા વધી હતી, એમ મંત્રીશ્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાતમાંથી સીધાકરવેરાની આવક ના.વ.2016-17માં રૂ.44,866.27 કરોડ હતી જે ના.વ.2018-19માં રૂ.49,021.69 કરોડ થઈ હતી, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાતમાં પાન ધારકોની સંખ્યા ના.વ.2016-17માં 2,00,58,232 હતી, જે ના.વ.2017-18માં 2,31,66,632 થઈ હતી, તેની સામે ઇન્કમટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા ના.વ.2016-17માં 57,61,485 થી વધીને ના.વ.2017-18માં 71,41,250 થઈ હતી.
શ્રી નથવાણી ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધાયેલા પાન ધારકો, ભરવામાં આવેલા ઇન્ક્મ ટેક્સ રીટર્ન, વસૂલવામાં આવેલા આવક વેરાની રકમ તથા હાથ ધરાવામાંઆવેલી સર્ચ અને સીઝરની સંખ્યા અંગે જાણવા માંગતા હતા.
મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષમાં અનુક્રમે 25,291, 26,807 અને 29,085 પર્મેનન્ટ એકાઉન્ટ નંબરો ચકાસણી માટે આવરી લેવાયા હતા.આવકવેરાના અમદાવાદ વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષમાં અનુક્રમે 79,29 અને 31 ગ્રૂપ સર્ચ હાથ ધરવામાં આવી હતી, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આવકવેરા કાનૂન, 1961 અન્વયે સર્ચ અને સીઝર પછી તપાસ કરવામાં આવે છે જે એસેસમેન્ટમાં પરિણમે છે. કરદાતા દ્વારા આપ્રકારના એસેસમેન્ટ સામે અપીલ કરી શકાય છે, જેને હાઇકોર્ટ/સુપ્રીમકોર્ટ દ્વારા અંતિમ રૂપ આપવામાં આવે છે. તપાસના પરિમાણને ત્યારે જ જાણી શકાય જ્યારે અપીલોનેઅંતિમ રૂપ આપવામાં આવે. જેને ધ્યાનમાં રાખતા, જ્યાં સુધી અર્ધ-ન્યાયિક અને ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્ચનું પરિમાણ જાણી શકાય નહીં, એમમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
2016-17 | 2017-18 | 2018-19 | |
કુલ પર્મેનન્ટ એકાઉન્ટ નંબર | 2,00,58,232 | 2,31,66,632 | 2,57,18,319 |
કુલ ઇન્કમ ટેક્સ રીટર્ન | 57,61,485 | 71,41,250 | 66,05,231 |
યુનિક પાન | 47,68,366 | 57,37,034 | 63,08,090 |
ચકાસણી માટે પસંદ કરાયેલા પાનની સંખ્યા | 25,291 | 26,807 | 29,085 |
સીધા કરવેરાની આવક (રૂ. કરોડમાં) | 38,808.27 | 44,866.66 | 49,021.69 |
સર્ચ કરાયેલા ગ્રૂપની સંખ્યા | 79 | 29 | 31 |