અમેરિકાના હવાઈ હુમલાથી અન્ય દેશો હચમચી ઉઠ્યા
વોશિંગ્ટન: ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મેજર જનરલ કાસીમ સુલેમાનીને ઇરાકમાં એક ઓપરેશનમાં અમેરિકાએ હવાઈ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ વિશ્વના દેશો હચમચી ઉઠ્યા છે. સુલેમાનીના મોત બાદ દુનિયાભરના દેશોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. કોઇ દેશે સંયમ જાળવી રાખવા માટે અમેરિકાને કહ્યું છે જ્યારે કોઇ દેશે અમેરિકાથી બદલો લેવાની વાત કરી છે.
રશિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી અખાત દેશ સાથે તંગદિલી વધશે. રશિયન વિદેશમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુલેમાનીની હત્યા એક ખતરનાક પગલા તરીકે છે. આનાથી સ્થિતિ વણસી જશે. ફ્રાંસે પણ રશિયાના નિવેદનને દોહરાવીને કહ્યું છે કે, ઇરાની જનરલની હત્યા બાદ દુનિયા વધુ ખતરનાક બની ગઈ છે.
બીજી બાજુ ચીને અમેરિકા અને ઇરાન બંને દેશોને સંયમ જાળવી રાખવા માટે કહ્યું છે. અમેરિકાના આ પગલાથી ઇઝરાયેલની ચિંતા વધી ગઈ છે. તેને ભય સતાવી રહ્યો છે કે, ઇરાનના સમર્થનવાળા લેબનોન ગ્રુપ દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આના પરિણામ સ્વરુપે ઇઝરાયેલે ગોલન સ્કીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હિઝબુલ્લા ગ્રુપ દ્વારા બદલો લેવાની વાત કરવામાં આવી છે.
ઇઝરાયેલે તેની સેનાને હાઈએલર્ટ પર મુકી દીધી છે. હિઝબુલ્લા જેવા તેના સાથી પક્ષો મારફતે ઇરાન હુમલા કરી શકે છે તેવી દહેશત ઇઝરાયેલને દેખાઈ રહી છે. પેલેસ્ટેનિયન સંગઠન હમાસ અને ઇસ્લામિક જેહાદ સંગઠન મારફતે ઇરાન હુમલા કરાવી શકે છે.
ઇઝરાયેલના વિદેશ મંત્રાલય દ્વારા તથા સંરક્ષણ અધિકારીઓ દ્વારા ઇઝરાયેલના મોટાભાગના વિસ્તોરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન દ્વારા દેશના લશ્કરી અને સુરક્ષા અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહૂએ ગ્રીસની તેમની યાત્રા કટોકટી વચ્ચે ટૂંકાવી દીધી છે. સિરિયાએ પણ આ હુમલાને વખોડી કાઢીને આની નિંદા કરી છે. આ મોતથી હાહાકાર મચી ગયો છે. ઇરાનના સુપ્રીમ લીડર દ્વારા બદલો લેવાની વાત કરવામાં આવી છે. હવાઈ હુમલાથી ખતરનાક સ્થિતિ ઉભી થઇ શકે છે તેવી વાત દુનિયાના દેશો દ્વારા કરવામાં આવી રહી છે. અમેરિકી ડેમોક્રેટિક કોંગ્રેસનલ લીડરો દ્વારા પણ ટ્રમ્પના હુમલાના આદેશ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસનલની મંજુરી લીધી ન હતી.