ગ્રામ્યના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટીની વૈજ્ઞાનિક ગેલેરીઓ જોવાની તક મળશે
ગુજરાત સાયન્સ સિટી અને રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSC)ની એક્સપોઝીટરી વિઝિટની આજથી ઔપચારિક રીતે શરુઆત
ગુજકોસ્ટની અનોખી પહેલ દ્વારા 1,17,000 થી વધુ વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી અને રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSCs)ની મુલાકાત લેવાની તક મળશે
પુસ્તકોની દુનિયામાંથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયામાં લઈ જવા માટે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) કે જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત છે, રાજ્યના દરેક જિલ્લામાંથી શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ સિટી અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs)ની નિશુલ્ક મુલાકાતની આજથી શરૂઆત કરી છે.
શ્રાવણ મહિનામાં ચાલતી કાવડયાત્રા સાથે આ મુલાકાતને સરખાવીએતો જેમ લોકો પોતાનાં ઘરેથી મંદિર સુધી જાય છે તેમ, શાળાના વિદ્યાર્થીઓ નજીકના વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિજ્ઞાનની અજાયબીઓને જાણશે. આ વિજ્ઞાનનાં શ્રાવણ મહિના જેવું છે, જ્યાં વિદ્યાર્થીઓ સાયન્સ સેંટર્સની મુલાકાત લઈ શકે છે અને તેમની કારકિર્દી માટે એક્સપોઝર મેળવી શકે છે અને આગામી બે મહિના માટે મંગળવારથી શુક્રવાર સુધી અનોખી સફર કરશે.
આ કાર્યક્રમના સુચારૂ સંકલન માટે ગુજકોસ્ટે GSRTCની કેન્દ્રીય રીતે રૂ. 5.42 કરોડના ખર્ચે કુલ 2,113 બસો બુક કરી છે. દરરોજ સંબંધિત જિલ્લાના લોક વિજ્ઞાન કેંદ્રોએ શાળાના વિદ્યાર્થીઓની સાયન્સ સિટી/વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત માટે નજીકના એસટી ડેપોમાંથી બસ મેળવવાની રહેશે.
ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ અને પાટણ , ભુજ , ભાવનગર અને રાજકોટ ખાતેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો પર ખાસ માર્ગદર્શિત અને ક્યુરેટેડ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ગેલેરીઓની મુલાકાત, STEM વર્કશોપ, ઇન્ટરેક્ટિવ સત્રો, હેન્ડ–ઓન–ડેમોસ્ટ્રેશન, ક્વિઝ વગેરેનો સમાવેશ થાય છે. .
દૂરના સ્થળોના વિદ્યાર્થીઓ માટે, ગુજકોસ્ટે તેમના નાસ્તાની સાથે સલામતી સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરી છે જેથી વિજ્ઞાનના સંશોધન દરમિયાન તેમને કોઈ તકલીફ ન પડે. આ કાર્યક્રમનો ગુજરાતના તમામ 33 જિલ્લાઓની 2,113 શાળાઓ અને 1,17,000 વિદ્યાર્થીઓને લાભ મળશે. આ અનુભવ ઘણા વિદ્યાર્થીઓ માટે એક ટર્નીંગ પોઇંટ સાબિત થશે, જે તેમને તેમની જિજ્ઞાસાની તરસ પૂરી કરવાની તક પુરી પાડશે.
આ પહેલ રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન શિક્ષણને વધુ સુલભ અને આકર્ષક બનાવવા માટે ગુજકોસ્ટના પ્રયાસોનો એક ભાગ છે. આ વિજ્ઞાન કેન્દ્રો અને સાયન્સ સિટીની મુલાકાત લઈને, વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક અને કારકિર્દીની આકાંક્ષાઓને આકાર આપીને વિજ્ઞાન અને ટેક્નોલોજીની અજાયબીઓની મૂલ્યવાન સમજ મેળવશે.