Western Times News

Gujarati News

ધરતીને આપણે માતા કહીએ, માતાને ઝેર અપાય ખરું ?- ખેડૂત જગદીશસિંહ વાઘેલા

રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળેલા સાણંદના ખોડા ગામના ખેડૂત શ્રી જગદીશસિંહ વાઘેલા

સમગ્ર જિલ્લામાં પ્રાકૃતિક ઢબે ડાંગરનું સૌથી વ્યાપક 60 વીઘા જમીનમાંથી ‘મુકતાની સાથે મહેકી ઉઠે’ તેવી ગુણવત્તાના ચોખા તૈયાર કરી શ્રેષ્ઠ ભાવો મેળવી રહ્યા છે

ધરતીને આપણે માતા કહીએ, માતાને ઝેર અપાય ખરું ?- આ વાક્ય સાંભળતા જ તેમની જમીન પ્રત્યેની લાગણી અને જમીન સાથેનું જોડાણ વ્યક્ત થઈ આવે. આ માન્યતા સાથે ખેતી કરી રહ્યા છે અમદાવાદના સાણંદ તાલુકાના ખોડા ગામના ખેડૂત શ્રી જગદીશસિંહ વાઘેલા. જમીનના જતનને તેમણે જીવનનો ધ્યેય બનાવી લીધો છે. અગાઉ તેઓ રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને તેમણે વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

હાલમાં જગદીશસિંહ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક ઢબે ડાંગરનું સૌથી વ્યાપક વાવેતર કરનાર ખેડૂત છે. તેઓ 60 વીઘા જમીનમાં વાવેતર કરી ઉત્પાદન મેળવી રહ્યા છે. ખૂબ ચોકસાઈથી પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોનું પાલન કરી તેઓ ખેતી કરે છે. તેમના ખેતરમાં રોપેલા ડાંગરના ચમકતા છોડ જ તેની ઉત્તમ ગુણવત્તાનું પ્રમાણ આપે છે. કારણ કે આ છોડ રાસાયણિક ખાતરના જરાં સરખા સ્પર્શ વગર પ્રાકૃતિક કૃષિના આયામ એવા બીજામૃતથી સંસ્કારીત થયેલા છે.

જગદીશસિંહ કૃષ્ણકમોદ ડાંગરનું વાવેતર કરે છે. જેના વિશે વિગતવાર વાત કરતા તેમણે જણાવ્યું કે, રોપણી બાદ તેઓ પાકને સમયે-સમયે પાણી સાથે તેઓ ગૌમૂત્ર, ગાયનું છાણ, શેઢાની માટી, ચણાનો લોટ અને પાણીના મિશ્રણથી બનતું જીવામૃત આપે છે. તદુપરાંત ડાંગરમાં જીવજંતુ કે રોગનો ઉપદ્રવ ન રહે તે માટે તેઓ સમયાંતરે નિમાસ્ત્ર અને દસપર્ણી અર્કનો ઉપયોગ પણ કરે છે.

ઓછા ખર્ચે 60 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં તેઓ ડાંગરનું સારા પ્રમાણમાં વાવેતર થવાને પગલે ઉત્પદાન પણ સારું મળે છે. વીઘે તેમને 25થી 30 મણનો ઉતારો મળે છે. જેનું મૂલ્યવર્ધન કરાવીને તેઓ ગુણવત્તાયુક્ત ચોખા તૈયાર કરાવે છે. આ ચોખાનું પેકેજિંગ કરીને તેઓ શહેરી વિસ્તારમાં વેચાણ કરે છે.

ચોખાની ગુણવત્તા વિશે વાત કરતા જગદીશસિંહ કહે છે કે, પ્રાકૃતિક રીતે ઉત્પાદિત થયેલા આ ચોખા બજારમાં મૂકતા જ મહેકી ઉઠે તેવા હોય છે. જેથી શહેરી વિસ્તારોમાંથી સિઝનના ચોખાનું એડવાન્સ બુકિંગ થઈ જાય છે. ઘણીવખત તો વધુ પ્રમાણમાં ઓર્ડર મળતા હોવાથી તમામ ગ્રાહકોને પુરવઠો પૂરો પાડી શકાતો નથી.

જગદીશસિંહનું માનવું છે કે, તેઓ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ધરતી માતાને સાચવે છે અને ધરતી માતા ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપીને તેમનો વ્યવહાર સાચવી લે છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીથી મેળવેલા સારા પરિણામો વિશે અન્ય ખેડૂતોને જણાવી તેઓ તેમને પણ આ અભિયાનમાં જોડી રહ્યા છે. આમ, જગદીશસિંહની જેમ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ધરતી માતાની અને હજારો લોકોના સ્વાસ્થ્યની દરકાર કરી પરોક્ષ રીતે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. -વિવેક, કુલદીપ, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.