અમદાવાદમાં બ્રેકડાઉન પર નિયંત્રણ લાવવા વેન્ટીલેટિંગ કોલમ લગાવવામાં આવશે
પ્રાથમિક તબક્કે ઝોન દીઠ ૧૦૦ કોલમ ઇન્સ્ટોલ થશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બ્રેકડાઉન અને ભુવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. જેના માટે વર્ષો જૂની પાઇપલાઇન, ખોદકામ બાદ યોગ્ય માટીપુરાણ ન થવું તેમજ જમીનમાં જ ગેસ ગળતર થવા મુખ્ય બાબત છે. ભૂગર્ભ ગેસ ગળતર ના કારણે બ્રેકડાઉન થવાની સમસ્યા વધી રહી છે. જેના ઉકેલ માટે મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા વેન્ટીલેટિંગ કોલમ નાખવામાં આવશે. જેના મારફતે ગેસ જમીનમાંથી બહાર નીકળી જશે અને બ્રેકડાઉન ની શકયતા માં ઘટાડો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા બ્રેકડાઉન સમસ્યા નિવારણ માટે વેન્ટીલેટિંગ કોલમ નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામ સાત ઝોનમાં આ માટે સર્વે કરવામાં આવ્યો હતો તેમજ ઝોન એડિશનલ પાસેથી તેમની જરૂરિયાત મંગાવવામાં આવી હતી.
જેમાં પૂર્વઝોનમાંથી સૌથી વધુ ૫૦૦ વેન્ટીલેટિંગ કોલમની ડિમાન્ડ કરવામાં આવી હતી જયારે બાકી માં ૦૬ ઝોનના એડિશનલ ઈજનેર ઘ્વારા સરેરાશ ૨૦૦ થી ૩૦૦ વેન્ટીલેટિંગ કોલમની ડિમાન્ડ થઈ હતી. તમામ ઝોનની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવે તો બજેટ વધી જાય તેમ છે તેથી તમામ ઝોનમાં ૧૦૦-૧૦૦ નંગ વેન્ટીલેટિંગ કોલમ નાખવામાં આવશે. જો કોઈ ઝોનમાં બજેટ વધશે તો તેનો બીજા ઝોનમાં ઉપયોગ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવનાર વેન્ટીલેટિંગ કોલમની ઊંચાઈ ૧૨ મીટર ની રહેશે. આ કોલમ જે તે ઝોનની મેઈન ટ્રંક લાઇન તેમજ મોટા જંકશન પર ઈન્સ્ટોલ કરવામાં આવશે.
ભૂતકાળમાં નાગરિકો એ રહેણાંક વિસ્તારમાં આવા કોલમ ઉભા કરવા સામે વિરોધ કર્યો હતો તેથી આ વખતે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. એક વેન્ટીલેટિંગ કોલમ માટે અંદાજે રૂ. ૪૫ હજારનો ખર્ચ થશે.વેન્ટીલેટિંગ કોલમ ઇન્સ્ટોલ થયા બાદ બ્રેકડાઉન ની સમસ્યા માં ઘટાડો થશે. ચાર-પાંચ દાયકા પહેલા પણ ભૂગર્ભ ગેસને બહાર નીકાળવા માટે આ પ્રકારના વેન્ટીલેટિંગ કોલમ નો ઉપયોગ કરવામાં આવતો હતો.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ બ્રેકડાઉનની માત્રા ઘટાડવા માટે વેન્ટીલેટિંગ કોલમ ખૂબ જ કારગત સાબિત થશે. આ ઉપરાંત જે સ્થળે વારંવાર બ્રેકડાઉન થાય છે તે સ્થળે નિષ્ણાત ના અભિપ્રાય પણ લેવામાં આવશે.