Western Times News

Gujarati News

વસ્ત્રાપુર તળાવનું એમ્ફી થિયેટર તોડી ફૂડ કોર્ટ બનાવવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  ઔડા દ્વારા 2003 ના વર્ષમા વસ્ત્રાપુર તળાવ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર મ્યુનિ. હદમાં ભેળવાયાં બાદ તળાવ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું હતું. છે.

મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા વસ્ત્રાપુર તળાવની સ્થિતિ દયનીય બની ગઈ હતી. વસ્ત્રાપુર તળાવનો વોક-વે ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. તેમજ ચારેય તરફની દીવાલો જર્જરિત બની ગઈ હતી. આ ઉપરાંત બહારના ભાગે જે ઝરૂખા મૂકવામાં આવ્યા છે,

તે સહિતની જગ્યાઓને રી-ડેવલોપમેન્ટ કરવાની જરૂરિયાત હતી. બે દાયકા અગાઉ ડેવલપ કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને ફરીથી સુંદર બનાવવા માટે સ્થાનિક રહીશો દ્વારા પણ માંગણી કરવામાં આવતી હતી. જેના પગલે તળાવને રીડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વસ્ત્રાપુર તળાવ રી-ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તળાવ પરિસરમાં આવેલા એમફી થિયેટરના સ્થાને ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી એમ્ફી થિયેટરનો ઉપયોગ થયો ન હોવાથી આ જગ્યા પર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. જેમાં 55 જેટલા ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં ટેન્ડર પ્રક્રિયા કરી ફૂડ સ્ટોલ ભાડે આપવામાં આવશે.

અંદાજે 5580 ચોરસ મીટર વિસ્તારમાં ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. વિશિષ્ટ પ્રકારના ટેન્સાઇલ સ્ટ્રક્ચર કેનોપી વર્ક સાથેનું ફૂડ કોર્ટ તૈયાર થશે. જેમાં 55 ફૂડ સ્ટોલ બનશે. 3703 ચોરસ મીટર જગ્યામાં પાર્કિંગ, 700 ચોરસ મીટર જગ્યામાં ડાઇનિંગ  તેમજ 63 ચોરસ મીટર જગ્યામાં ટોઇલેટ બનાવવામાં આવશે.

 વસ્ત્રાપુર તળાવ ગાર્ડનના હાલ રિ-ડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન કેટલીક બાબતોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેના કારણે રૂ.5.15 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ કરવાની કામગીરી ચાલુ છે. જેમાં હવે વધુ બે કરોડનાં મટીરીયલનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થતા તેને પણ વોટર કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે.

અપર અને લોઅર વોક-વે પર કાચના પડમાં વધારો, આરસીસી દિવાલ અને તળાવમાં જ્યાં ઢાળ આવેલો છે. તેમાં મજબૂત આરસીસી બીમ ગ્રીડ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. તળાવના રિડેવલોપમેન્ટની ડિઝાઇનમાં ફેરફાર અને ફૂડ કોર્ટ એમ મળી કુલ સાત કરોડ  કરતા વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.