Western Times News

Gujarati News

વક્ફ કાયદામાં સુધારામાં JPCની રચના થતાં કયા મેમ્બરો શું ફેરફારો કરશે?

(એજન્સી)નવી દિલ્હી, વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભા અધ્યક્ષે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. સમિતિમાં ઓવૈસી અને ઇમરાન મસૂદ સહિત ૩૧ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેપીસીમાં ૨૧ સંસદસભ્ય લોકસભાના અને ૧૦ સાંસદ રાજ્યસભાના છે.

નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલે વક્ફ કાયદામાં સુધારા માટે લોકસભામાં ખરડો દાખલ કર્યો હતો. જોકે કોંગ્રેસ સહિત વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ભાજપના સાથીપક્ષો પણ આ ખરડાને કાંતો સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અથવા સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ લઈ જવાની ઈચ્છા ધરાવતા હતા. જેને પગલે લોકસભા અધ્યક્ષે ગઈકાલે જ જેપીસીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

કોંગ્રેસની સરકારોએ બનાવેલા અને વારંવાર ફેરફાર કરીને વક્ફ બોર્ડને અમર્યાદ સત્તાઓ આપી દેનાર વક્ફ કાયદામાં સુધારો કરવા મોદી સરકારે થોડા દિવસ પહેલા સંકેત આપ્યો હતો અને તે અંગેનો સૂચિત મુસદ્દો તમામ સંસદસભ્યોને થોડા દિવસ પહેલાં પહોંચાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે ૮ ઓગસ્ટને ગુરુવારે લોકસભામાં સુધારા ખરડો દાખલ કર્યો હતો.

જોકે, અપેક્ષા મુજબ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે લઘુમતી કલ્યાણ બાબતોના મંત્રી કિરણ રિÂજ્જજુ, જેમણે સુધારા ખરડો દાખલ કર્યો હતો તેમણે વિચારણા માટે જેપીસીમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, પોતે આ માટે જેપીસીની રચના કરશે.

ગઈકાલે ગુરુવારે લોકસભાની કાર્યવાહી પૂરી થયા બાદ એનડીએના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ખરડામાં કશું ખોટું નથી. વક્ફ કાયદામાં સુધારા થાય એ આવશ્યક છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ખરડા અંગે પૂરતી ચર્ચા થાય અને દરેક પક્ષકારોના મનમાં જે આશંકાઓ હોય તે દૂર થાય.

તેને પગલે લોકસભા અધ્યક્ષે આજે જેપીસીની રચના કરી છે. જેપીસીમાં કુલ કેટલા સભ્યો હશે અને કયા ગૃહમાંથી કયા સભ્યોનો સમાવેશ કરવો તેનો નિર્ણય અધ્યક્ષ દ્વારા લેવામાં આવતો હોય છે. તે અનુસાર ૩૧ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. તેમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.