Western Times News

Gujarati News

અભ્યાસ માટે આવેલા બાંગ્લાદેશી છાત્રો હાલની આંતરિત સ્થિતિથી ચિંતાતૂર

પ્રતિકાત્મક

સુરત, મારા દેશમાં હાલમાં જે અરાજકતા અને હિંસાનો માહોલ છે તે ચિંતા કરાવી રહ્યો છે. મારો પરિવાર પણ ઢાકામાં જ રહે છે. હું તેમની સાથે સતત વીડિયો કોલ ઉપર વાત કરી રહ્યો છું. અલબત્ત હવે વાતાવરણ થોડું હળવું થઈ રહ્યું હોય તેવું મારા પરિવારજનો કહે છે.

આ શબ્દો સુરતમાં વીર નર્મદ યુનિ.માં અભ્યાસ માટે બાંગ્લાદેશથી આવેલા વિદ્યાર્થી ઈમોન અલીના છે તેના જેવા અન્ય વિદ્યાર્થીઓમાં પણ બાંગ્લાદેશની અરાજકતાથી ચિંતા પેઠી છે.

બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગત સોમવારે પમી ઓગસ્ટે પદ પરથી રાજીનમું આપ્યું હતું અને દેશ છોડીને ભારતમાં શરણું લેવું પડયું છે.

બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિને લીધે બાંગ્લાદેશથી ભારતમાં આવીને અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ તેમના પરિવાર વિશે સતત ચિંતા કોરી રહી છે. સુરત ખાતે આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એક બાંગ્લાદેશી વિદ્યાર્થી ઈમોન અલી પણ ચિંતા કરી રહ્યો છે.

બાંગ્લાદેશની સ્થિતિ હાલ ખૂબ જ કફોડી બની છે. હિંસા અને પ્રદર્શનના કારણે ત્યાંના સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાંગ્લાદેશથી અનેક વિદ્યાર્થીઓ ભારત ભણવા માટે આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને લઈ ચિંતામાં છે.

સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં બીએ વીથ ઈકોનોમિકસ કરી રહેલો ઈમોન અલી કહે છે કે, હાલ જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં ઉદ્દભવી છે તેનાથી મને ઘણી ચિંતા થઈ રહી છે. મારો પરિવાર પણ ઢાંકા જ રહે છે. હું તેમના સતત સંપર્કમાં છું. બાંગ્લાદેશમાં વિરોધ શરૂ થયો તેના બે દિવસ પહેલાં જ હું પણ સુરત આવ્યો હતો. મારા દેશમાં તણાવપૂર્ણ સ્થિતિથી સતત ટેન્શનમાં છું.

પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ કરીને ત્યાંની સ્થિતિ અંગે જાણી ઈમોન અલીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ત્યાં તણાવની સ્થિતિ છે. માતા-પિતા, બહેન, બે ભાઈ હાલ ઢાકામાં છે. ત્યાંની તણાવપૂર્ણ સ્થિતિના કારણે હું વારંવાર તેમને કોલ કરીને ત્યાંની સ્થિતિ અંગે માહિતી મેળવું છું. જો કે, હાલ તેઓ જણાવી રહ્યા છે કે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.