મણીનગર રેલવે બ્રીજ માટે ૧પ ફુટ સુધી કાયદેસર મિલ્કતોમાં તોડફોડ
ર૦ર૦માં નવા ચાર ફલાયઓવર લોકર્પણ થશેઃ સાત ફલાય ઓવરના કામ શરૂ થશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ના વાર્ષિક બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી વર્ષ સ્થાનિક ચુંટણીઓનું હોવાથી પ્રજા પર આર્થિક ભારણ આવે તેવી શકયતા ઓછી છે જયારે મોટા પ્રોજેકટોની જાહેરાતો કરી મતદારોને રીઝવવા પ્રયાસ થઈ શકે છે. મ્યુનિ.કોર્પોરેશનના આગામી બજેટમાં ફલાયઓવર તથા રેલવેબ્રીજ માટે ઓછી રકમ ફાળવવામાં આવશે.
રાજય સરકારે સાત ફલાયઓવરની મંજૂરી આપી હોવાથી મનપા દ્વારા કદાચ વધુ એકાદ-બે બ્રીજ માટે જાહેરાત થઈ શકે છે.મ્યુનિ.કોર્પોરેશને ર૦૧૯-ર૦ના અંદાજપત્ર માં મણીનગર રેલવે બ્રીજ માટે જાહેરાત ના અંદાજપત્રમાં મણીનગર રેલવે બ્રીજ માટે જાહેરાત કરી હતી પરંતુ તેમાં ફીઝીબીલીટીની તકલીફ હોવાથી તેને રદ કરવામાં આવી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૧૯-ર૦ના બજેટમાં જે ફલાય ઓવર તથા રેલવે બ્રીજની જાહેરાત કરી હતી તે પૈકી મોટાભાગના બ્રીજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તથા એકાદ-બે સ્થળે કામ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ ઘોડાસર જંકશન અને મણીનગર રેલવે બ્રીજના કામ હજી શરૂ થયા નથી. આ બંને બ્રીજના કામમાં સ્થળ ફીઝીબીલીટીના કારણે વિલંબ થયો છે.
રાજય સરકારે હાલમાં જે સાત ફલાયઓવરની જાહેરાત કરી છે. તેમાં ઘોડાસર જંકશનનો પણ સમાવેશ કર્યો છે. તેથી બ્રીજ પ્રોજેકટ વિભાગ યેનકેન પ્રકારે ઘોડાસર ફલાયઓવર માટે ડીઝાઈન તૈયાર કરી રહયા છે. રાજય સરકારે ઘોડાસર ફલાયઓવર માટે જાહેરાત કરી હોવાથી મનપા પર આર્થિક ભારણ ઘટશે. મ્યુનિ. શાસકોએ મણીનગર રેલવે બ્રીજ માટે પણ જાહેરાત કરી હતી પરંતુ તેમાં સ્થળ ફીઝીબીલીટીની તકલીફ છે.
સુત્રોએ જણાવ્યા મુજબ મણીનગર (પૂર્વ)માં હાલ ૧ર મીટર રોડ છે. તેમાં રીડીપી નો અમલ કરવામાં આવે તો પણ ૧૮ મીટરથી વધુ પહોળાઈ મળી શકે તેમ નથી. જયારે બ્રીજ માટે ઓછામાં ઓછી રર મીટર પહોળાઈ જરૂરી છે. મણીનગર પૂર્વમાં ડો.પુરણસિંહ ઠાકોરની દવાખાનાથી લક્ષ્મીનારાયણ મંદીર સુધીનો રોડ અત્યંત સાંકડો છે.
બ્રીજ માટે જરૂરી પહોળાઈ લેવા માટે આ રોડ પરની મિલ્કતોમાં ૧૦થી ૧પ ફૂટ સુધીની તોડફોડ કરવી પડે તેમ છે. જેના કારણે મણીનગર રેલવેબ્રીજ માટે હાલ કોઈ આયોજન થાય તેવી શકયતા નહીવત છે. તેમ છતાં રાજય સરકારે સાત ફલાયઓવર ની સાથે બે રેલવે બ્રીજ માટે પણ મંજૂરી આપી છે. જેમાં જગતપુર અને મણીનગર નો સમાવેશ થાય છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે રાજય સરકારે ગત ડીસેમ્બર માસમાં સાત ફલાયઓવર માટે જાહેરાત કરી હતી. રાજય સરકારે નાણા ર૦૧૯-ર૦ના બજેટમાં અમદાવાદ શહેર માટે ર૦ ફલાયઓવર ની જાહેરાત કરી હતી. તે પૈકી સાતને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં વિવેકાનંદ નગર રીવરબ્રીજ (ચારલેન), ઘોડાસર જંકશન (ર ગુણ્યા ર લેન), વાડજ જંકશન (ચારલેન), પલ્લવ જંકશન (ર ગુણ્યા લેન), સત્તાધાર જંકશન (ચારલેન) નરોડા પાટીયા જંકશન (૩ ગુણ્યા ર લેન) તથા પ્રગતિનગર જંકશન (ર ગુણ્યા ર લેન) નો સમાવેશ થાય છે.
રાજય સરકારે સાત બ્રીજ માટે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી હતી જે પૈકી ચાલુ વર્ષે દસ ટકા લેખે રૂ.૩૩.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંગેનો મંજૂરી પત્ર પણ મ્યુનિ.કોર્પોરેશનને ગત સપ્તાહ દરમ્યાન મોકલી આપવામાં આવ્યો છે.
આગામી નાણાંકીય વર્ષમાં ત્રણ નવા બ્રીજના લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં સીમ્સ રેલવે બ્રીજ, વિરાટનગર તથા રાજેન્દ્રપાર્ક બ્રીજનો સમાવેશ થાય છે. સીમ્સ રેલવે બ્રીજ માટે રૂ.૭૦ કરોડ, વિરાટનગર માટે રૂ.૪૬ કરોડ તથા રાજેન્દ્રપાર્ક બ્રીજ માટે રૂ.૮ર કરોડનો ખર્ચ થયો છે. ર૦૧૯માં મનપા દ્વારા અંજલી અને ઈન્કમટેક્ષ જંકશન ફલાયઓવરના લોકાર્પણ કરવામાં આવ્યા છે. જેના કારણે આશ્રમરોડ પર ટ્રાફિક ભારણમાં ઘટાડો થયો છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ર૦માં અજીતમીલ જંકશન ફલાયઓવરનું પણ લોકાર્પ્ણ કરવામાં આવશે.
તદ્ઉપરાંત ખોખરા રેલવેબ્રીજનું કામ પૂર્ણ થતા વાહનચાલકોને રાહત થશે. નરોડા રેલવે ઓવરબ્રીજનું કામ ર૦ર૧ માં પૂર્ણ થશે. શહેરમાં હાલ કુલ પપ ફલાયઓવર, અંડરપાસ, રેલવે તથા રીવરબ્રીજ છે. ર૦ર૦માં વધુ ચારનો સમાવેશ થશે જયારે રાજય સરકારે જે સાત ફલાયઓવર /રીવરબ્રીજની જાહેરાત કરી છે તેની ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. રાજય સરકારે સાત ફલાયઓવરના નાણાંની સીધી ફાળવણી કરી છે. અગાઉ આ ખર્ચ સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત કરવામાં આવતો હતો તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.