Western Times News

Gujarati News

દાણીલીમડાના પ્રખ્યાત ભુવા રોડની ડ્રેનેજ લાઈન રૂ. 23 કરોડના ખર્ચથી રી-હેબ કરવામાં આવશે

File Photo

જનમાર્ગ કોરિડોરમાં કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક સમસ્યા વધી-અત્યાર સુધી 1800 ડાયા મીટરની લાઇનમાં 650 રનીંગ મીટરનું કામ કરવામાં આવશે. 

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  સ્માર્ટસીટી અમદાવાદમાં ભુવા અને બ્રેકડાઉન સામાન્ય બાબત છે. શહેરના તમામ વિસ્તાર અને રોડ પર એકાદ-બે વખત તો ભુવા પડયા જ હશે પરંતુ દક્ષિણ ઝોનમાં એક રોડ એવો છે જેને “ભુવા રોડ” તરીકે જ ઓળખવામાં આવે છે. આ રોડ પર વારંવાર  ભુવા પડતા હતા જેના કારણે છેલ્લા ઘણા વરસો સુધી અહીં  રોડ ટ્રાફિક વ્યવસ્થા ખોટવાઈ ગઈ હતી, તેમજ જનમાર્ગની બસ મીક્ષ ટ્રાફિકમાં દોડાવવાની ફરજ પડી હતી.

બહેરામપુરા વોર્ડના મુસ્લીમ સોસાયટીથી સાબરમતી નદી સુધીના અંદાજે દોઢ કિલોમીટર લંબાઈના રોડથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ તે સમયે મ્યુનિ. ડ્રેનેજ વિભાગના અધિકારીઓની સતત આકરી મહેનત બાદ રૂ.15 કરોડના ખર્ચથી ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ ભુવા- બ્રેકડાઉન રોડ પર ફરીથી ટ્રાફિક ધમધમવા લાગ્યો હતો.

પરંતુ આ રીપેર કરવામાં આવેલી લઈને સમાંતર બીજી લાઇન જાય છે. જેમાં પણ અગાઉ જેવી જ પરિસ્થિતિ હતી તેથી ફરી એક વખત જનમાર્ગ કોરિડોર બંધ કરી લાઇન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનું કામ ઓગસ્ટના અંત સુધી પૂર્ણ થાય તેવી શક્યતા છે.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના દક્ષિણ ઝોનમાં  ખોડીયાર નગર ચાર રસ્તા, બહેરામપુરાથી સાબરમતી નદી સુધીના ટી.પી. રોડ ઉપર આવેલ હયાત ડાઉન સ્ટ્રીમની ૧૮૦૦ મી. મી. ડાયાની ડ્રેનેજ લાઇન 40 થી 45 વર્ષ જૂની છે. તેમજ તેમાં 95 ટકા જેટલો શિલ્ટ છે. આથી આ લાઈનમાં પાણીનો કોઈ પણ પ્રકારનો ફલો હાલમાં આવતો નથી. જેના કારણે આ લાઇન રીહેબીલીટેશનની કામગીરી કરવી જરૂરી બની હતી.

તેથી મ્યુનિ. કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અંર્તગત સ્ટેટ વોટર એક્શન પ્લાની ૨ (SWAP-2) અન્વયે મંજુર થયેલ કામો પૈકી પેકેજ-૮ માં ખોડીયાર નગર ચાર રસ્તા, બહેરામપુરાથી સાબરમતી નદી સુધીના ટી.પી. રોડ ઉપર આવેલ હયાત ડાઉન સ્ટ્રીમની ૧૮૦૦ મી. મી. ડાયાની ડ્રેનેજ લાઇનમાં રીહેબીલીટેશનની કામગીરી શરૂ કરી  છે.

આ લાઈનને રીહેબીલીટેશન કર્યા બાદ નજીકના બહેરામપુરા એન.એસ.પી. ડ્રેનેજ પંપીગનું પાણી સદર લાઈન મારફતે આંબેડકર ટ્રેનેજ પંપીગ સુધી લઇ જઇ શકાશે તેમજ બહેરામપુરા વિસ્તારમાં ઇન્ટરનલ રોડ પરની બ્રાંન્ચ અને સબ-બ્રાંન્ચ ડ્રેનેજ લાઇનનું જોડાણ સદર લાઇનમાં કરી ભવિષ્યમાં ગટરના પાણીનો અને વરસાદી પાણીનો નિકાલ કરી શકાશે.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ આ કામ ચોમાસાની સીઝનમાં પણ ચાલુ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે આ લાઈનની કંડીશન તથા લાઈનનના ફાઉન ખરાબ સ્થિતિ માં છે. જેના કારણે જરૂર કરતાં વધારાની કન્કાઈન પીટ બનાવવાની થતી હોઇ કામગીરીમા વિલંબ થાય છે.

સતત લાઇન શીલ્ટથી ભરેલી છે, લાઇનના કાઉન ખરાબ છે તથા લાઇનના જોઈન્ટ પણ ઉંચા-નીચા તથા ખુલ્લા છે, આથી કોઈ અકસ્માત ન થાય તેવી રીતે કામગીરી કરાવવામાં આવે છે તેથી હાલમાં જો કામગીરી બંધ કરવામાં આવે તો, લાઈનમાં પાણી ભરાવવાથી લાઈન બેસી જઇ બ્રેકડાઉન પડે તેવી સંભાવનાઓ છે. આ કારણોસર ચાલુ ચોમાસા દરમ્યાન કામગીરી બંધ કરવી હીતાવહ નથી.

અત્યાર સુધી 1800 ડાયા મીટરની લાઇનમાં 650 રનીંગ મીટરનું કામ કરવામાં આવશે. જે પૈકી 360 રનીંગ મીટરમાં ડિશીલટિંગ અને 320 રનીંગ મીટરમાં રી-હેબનું કામ પૂર્ણ થયું છે. બાકી 290 રનીંગ મીટરનું ડિશીલટિંગ અને 330 રનીંગ મીટર રી-હેબનું કામ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આ કામ માટે અંદાજે રૂ.23 કરોડનો ખર્ચ થશે તેમ સૂત્રોએ વધુમા જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.