Western Times News

Gujarati News

આસી. કમિશનરોની કાર્યપધ્ધતિથી ત્રસ્ત કોન્ટ્રકટરોએ કામો બંધ કરવાની ચેતવણી આપી 

ટેકનીકલ કામો નું વિકેન્દ્રીકરણ દૂર કરવા રજુઆત-કોર્પોરેશનમાં ડેપ્યુટશન પર આવતા અધિકારીઓ જાણી જોઈને આવા નિર્ણય કરે છે. જેનો મકસદ ‘ ભાગલા પાડો અને રાજ કરો’ પણ હોઈ શકે છે.

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ કમિશનરે નવેમ્બર ૨૦૨૩ ના રોજ સરકયુલર નં.૧૬૨ કરી ટેકનીકલ સતાનું વિકેન્દ્રીકરણ કર્યું હતું. તેમજ  વોર્ડ લેવલે ટેકનીકલ સત્તા આપવામાં આવી છે. આસી.કમિશનરને વોર્ડ કક્ષાએ ઈજનેર ને લગતા ટેકનીકલ કામો પણ સોંપવામાં આવ્યા છે. જયારે તમામ આસી.કમિશનર નોન ટેકનીકલ સ્ટાફ માં આવે છે.

આ સત્તાઓની વહેંચણી બાદ  ઇજનેર ટેકનીકલ સ્ટાફ અને નોન ટેકનીકલ સ્ટાફ વચ્ચે  ઘર્ષણો ઉભા થયા છે. આસી.કમિશનર ટેક્નિકલ કામ સમજી શકતા નથી.તેથી કોન્ટ્રકટરો અને આસી.કમિશનરો વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે. આસી.કમિશનરોની કાર્યપધ્ધતિ થી ત્રસ્ત થયેલ કોન્ટ્રકટરોએ  આ મુદ્દે કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી છે તેમજ આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહિ આવે તો કામ બંધ કરવાની ચેતવણી પણ આપી છે.

મ્યુનિસિપલ કોન્ટ્રાકટર એસોસિએશન તરફથી કરવામાં આવેલી રજુઆત મુજબ નોન ટેકનીકલ સ્ટાફ ને ટેકનીકન જ્ઞાન ન હોવા છતા કામોમાં ઘર્ષણ ઉભા કરે છે. તેમની પેમેન્ટ એડવાઈઝ માં સહી આવે છે છતા સહી કરતા સમયે કામ જોવા/ બીલો જોવા કામ ની યોગ્યતા ચકાસવા જેવા કારણો દર્શાવી વિલંબ કરે છે. તેઓ  ચાલુ કામ દરમ્યાન દરેક કામો પર વિઝીટ કરી અભ્યાસ કરતા નથી.

આસી. મ્યુનિ. કમિશનર ની કેડર પહેલા ટેકનીકલ જ્ઞાન મેળવે પછી જ અવરોધ ઉભા કરે તો તે વ્યાજબી ગણાય. મ્યુનિસિપલ કમિશ્નરના અલગ અલગ સરકક્યુલરો ને ૯ માસ થયા છે પરંતુ તેનુ અર્થઘટન નોન ટેકનીકલ ઓફીસર મનઘડીત રીતે કરી કામોની પ્રગતીને અવરોધે છે તેમજ પેમેન્ટ રોકવા પ્રયાસ કરે છે.  નોન ટેકનીકલ સ્ટાફ ને વહિવટી સમજ છે.

પરંતુ સાચી વહિવટી સમજનો યોગ્ય ઉપયોગ કરવાના બદલે ખોટા અર્થઘટન કરી અવરોધો ઉભા કરી જવાબદારી માંથી છટકવા પ્રયત્નશીલ થયા છે.  ટેકનીકલ ડોક્યુમેન્ટ જોવાની જવાબદારી આ.ઈ/આ.સી.ઈ/ડી.વાય.સીઈ ની છે તેમ છતા અધુરી જાણકારી ના અભાવે કામો ખોરંભે નાખવાની કામગીરી નોન ટેકનીકલ સ્ટાફ (એ.એમ.સી.) કરી રહ્યા છે જે તાકીદે બંધ થાય તે જરૂરી છે.

અન્ય ઝોન નુ જોઇ દરેક એ.એમ.સી દ્વારા ઝોન ને કેમ કરી અવરોધ મુક્ત કરવા બજેટ લાવવા, નાણા લાવવા, મંજુરીઓ લાવવા, કામો ને અવરોધ ન પહોચે તે રીતે સ્ટાફ ને ગાઈડ કરવા વગેરે મામલે  તાકીદે પગલા નહી ભરાઈ તો ના છુટકે ઇજનેર ડીપાર્ટમેન્ટ ખાડે જશે અને કામો બંધ થશે. આ ફરિયાદ ને  ચેતવણી માનવામાં આવે તેમ પણ ફરિયાદ માં જણાવવામાં આવ્યુ છે..

અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ બે વખત આ રીતે આસી.કમિશનરોને ટેકનીકલ કામ સોંપવામાં આવ્યા હતા પરંતુ ઈજનેર અધિકારીઓ ઘ્વારા વિરોધ કરવામાં આવતા નિર્ણય પરત લેવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશન માં ચાલતી ચર્ચા મુજબ સરકાર તરફથી કોર્પોરેશનમાં ડેપ્યુટશન પર આવતા અધિકારીઓ જાણી જોઈને આવા નિર્ણય કરે છે. જેનો મકસદ ‘ ભાગલા પાડો અને રાજ કરો’ પણ હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.