રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા અમિત શાહને કેમ મળ્યા હશે?
કોંગ્રેસી મૂળનાં અને અત્યારે ભારતીય જનતા પક્ષની સરકારમાં મંત્રી અને પક્ષનુ ધારાસભ્ય પદ ધરાવતા રાઘવજી પટેલ,કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા તાજેતરમાં દિલ્હી જઈને ગૃહ મંત્રી અમિત શાહને વ્યક્તિગત રીતે મળી આવ્યા તે અંગે સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે અને આ અંગે મોઢા એટલી વાતો થઈ રહી છે.આ બધી વાતો સાચી માનીએ તો સરવાળે નિષ્કર્ષ એવો નીકળે છે કે
(૧)ઃ- રાઘવજી પટેલ પોતે હવે સંપૂર્ણ તંદુરસ્ત થઈ ગયા છે અને નાદુરસ્ત તબિયતના બહાનાં હેઠળ પોતાને મંત્રી પદેથી હટાવવાની જરૂર નથી એવું સમજાવવા માટે અમિત શાહને મળવા ગયા હોય એવું બને. રાઘવજી પટેલ આ સરકારનાં એક કાર્યક્ષમ મંત્રી છે એ વાત સાબિત થઈ જ ગઈ છે(૨)ઃ- કુંવરજી બાવળિયા હવે ભા.જ.પ.માં સ્થિર અને મજબૂત થઈ ગયા છે એટલે આમ તો તેઓએ કંઈ રજુઆત કરવા અમિત શાહ પાસે જવાની જરૂર નથી
પણ કદાચ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ તા.૨/૭/૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે કરેલી વિનંતીના સંદર્ભે કદાચ કોઈ સ્પષ્ટતા કરવા ગયા હોય એવું બને
(૩)ઃ-એમ કહેવાય છે કે અર્જુન મોઢવાડિયાને ભા.જ.પ.માં લાવતી વખતે વચન અપાયું હતું કે તેઓને રાજ્યના પ્રધાનમંડળમાં સામેલ કરાશે.એ વચનનો સત્વરે અમલ થાય તેવું કહેવા તેઓ ગયા હોય એવી ભરપૂર શક્યતા છે.આ બધાં ઉપરાંત એવી પણ સંભાવના રહે છે કે આ મુલાકાત એક વિવેક મુલાકાત પણ હોઈ શકે!
હેં,ભા.જ.પ.ના સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા એક છે?
ભા.જ.પ.ના જુનાગઢ જિલ્લાના સાંસદ અને વેરાવળના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમા એક જ છે.એ બન્ને ચંગુ-મંગુની જોડી છે.એ બન્ને ચોરવાડના વતની છે એટલે લોકસભાની ચૂંટણી હોય તો વિમલ ચુડાસમા જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારનું કામ ન કરે અને ધારાસભાની ચૂંટણી હોય તો રાજેશ ચુડાસમા વેરાવળની બેઠકના ભા.જ.પ.ના ઉમેદવારને કોઈ મદદ ન કરે. બન્ને સેટીંગથી ચાલે છે!
આ શબ્દો ગીર સોમનાથ જિલ્લાના વર્તમાન કોંગ્રેસ પ્રમુખ કરશન બારડના છે!કેમેરાની સામે બિન્ધાસ્ત રીતે અપાયેલ આ નિવેદન સૂચવે છે કે ભા.જ.પ.અને કોંગ્રેસ પક્ષમાં એવાં પણ નેતાઓ છે કે જેઓને મન પક્ષના હિત કરતાં પોતાનું હિત અને હોદ્દો વધારે વહાલા છે.આ જે તે પક્ષની કમનસીબી તો છે જ પણ એ સાથે આ સંસ્કારી રાજ્ય ગણાતા ગુજરાતની કમનસીબી પણ ગણાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો બાળપ્રેમઃ કોન્વોય રોકાવીને વિદ્યાર્થીઓને મળ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરળ,સહજ અને સહ્રદયી તો છે જ પરંતુ એ ઉપરાંત તેમને બાળકો પણ બહું જ પ્રિય છે તેનું એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું.વાત જાણે એમ બની કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૩/૮/૨૪ના દિવસે બાલાસિનોરથી રૈયોલી જઈ રહ્યાં હતા.તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો એક સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા
ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું.ભૂપેન્દ્ર પટેલે તરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી
અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા ત્યાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
એટલું જ નહિ મુખ્યમંત્રીએ આ બાળકો વચ્ચે બેસીને તસવીર પણ પડાવી હતી તેમજ વડીલના વાત્સલ્ય ભાવથી બાળકો સાથે સંવાદ કરીને તેમના અભ્યાસ,વર્ગ ખંડ, શાળાની સુવિધાઓ અને માતા-પિતા તથા પરિવાર અંગે પૃચ્છા પણ કરી.
આ બાળકોના ચહેરા પર પણ મુખ્યમંત્રીને મળવાનો આનંદ છલકાતો જોવા મળ્યો અને મુખ્યમંત્રીની આ સહજતા તથા શિશુપ્રેમ જોઈને ગ્રામજનોએ પણ આનંદ સહ આશ્ચર્ય અનુભવ્યું હતું.
પ્રોફેસરમાંથી પોલીસ બનેલા જાંબાજ ઇન્સ્પેકટર સી.આર. જાદવ
કમનસીબે પોલીસ ખાતાની મથરાવટી એટલી બધી મેલી છે કે એ ખાતામાં પણ કંઈ સારું બની શકે એવું સામાન્ય માણસને જલદી ગળે નથી ઉતરતું.પરંતુ આજે પોલીસ ખાતાનાં એક જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરની વાત અહીં કરવી છે.આ યશસ્વી અધિકારીનું નામ છે
સી.આર.જાદવ.આ અધિકારીને સને ૨૦૨૦-માં ગુજરાત પોલીસ ખાતાનો ગૌરવપ્રદ ગણાતો ‘મેડલ ફોર એક્સ્ટ્રા ઓર્ડીનરી ઇન્ટેલિજન્સ’નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે!આ એવોર્ડ મેળવનાર તેઓ રાજ્યના પહેલા પોલીસ ઇન્સ્પેકટર છે.
આ ઉપરાંત આ અધિકારીને ‘બેસ્ટ ઈન્વેસ્ટીગેશન એવોર્ડ’ મળ્યો છે.જાદવને પાંચ વર્ષમાં ૩૫૦થી પણ વધું મેડલ,ઈનામ અને પ્રશંસાપત્રો પોલીસ ખાતા તરફથી મળ્યા છે.
જે તેમની કાર્યદક્ષતાની છડી પોકારે છે. આ અધિકારીએ કરેલી કેટલીક કાર્યવાહી નેત્રદીપક રહી છે.જેમાં(૧)ઃ-૧૯૯૩ના બોમ્બે બ્લાસ્ટ કેસનો આરોપી અને ૨૭ વર્ષથી નાસતો ફરતો અને દાઉદનો સાગરીત મનાતો મુનાફ હાલારીની મુંબઈથી ધરપકડ કરી
(૨)ઃ-૨૦૦૮ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીને કર્ણાટકના બેલગામથી ઝડપ્યો હતો(૩)ઃ-ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે ૩૮ દિવસમાં ૪૦ ગુના ડિટેકશન કર્યા હતા.ગોંડલથી કારકિર્દીની શરૂઆત કરનાર જાદવને ૨૦૧૬મા પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન મળ્યું હતું.સી.આર જાદવને વાંચવાનો શોખ છે અને તેઓનાં દાવા પ્રમાણે તેમણે ૧૦૦૦ પુસ્તકો વાંચી લીધા છે.બે દીકરી અને એક દીકરાનાં પિતા બનેલા સી.આર.જાદવ કુટુંબ પ્રેમી વ્યક્તિ છે.
સુરતના સાંસદ મુકેશ દલાલ માટે પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી નથી કરતા?
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું જાણવા મળ્યું છે કે સુરતથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલને ચૂંટાયાને ત્રણ માસ પૂરાં થયાં પછી પણ ક્યાં બેસીને પ્રજાના પ્રશ્નો સાંભળવા એ સમજાતું નથી.તેનું કારણ એ છે કે તેમનાં પુરોગામી દર્શના જરદોશે સાંસદ તરીકે તેમને(પક્ષ તરફથી) મળેલી ઓફિસ ખાલી કરી નથી! આમાં આશ્ચર્ય થાય એવી વાત
તો એ છે કે મુકેશ દલાલે આ અંગે પક્ષમાં રજૂઆત કરવાને બદલે કલેકટરને અરજી કરી છે.હવે કલેકટર તો આ પક્ષીય મામલામાં શું કરી શકે? તેઓએ દર્શના જરદોશને એ અરજી મોકલીને જરૂરી વિનંતી કરી!
અહીં પ્રશ્ન એ થાય સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા, બુદ્ધિશાળી અને અભ્યાસુ હોવાની છાપ ધરાવતાં મુકેશ દલાલને એટલી સમજણ કેમ ન પડી કે આ મામલો પક્ષની અંદરનો છે,
તેમાં કલેકટર કંઈ ન કરી શકે અને તે પક્ષનાં પ્લેટફોર્મ પર જ મુકીને ઉકેલવાનો હોય.જોકે આમાં એવી પણ એક શક્યતા હોવાનુ કહેવાય છે મુકેશ દલાલને એવો ડર હોય કે દર્શના જરદોશ કદાચ પક્ષમાં કોઈનું માનશે નહીં એટલે તેઓએ કલેકટરને અરજી કરવાનું મુનાસીબ માન્યું હોય એવું બને.આ આખા પ્રકરણમાં એક સત્ય તો એ સામું આવે છે કે મુકેશ દલાલ અને દર્શના જરદોશ વચ્ચે બોલ્યા વહેવાર નથી,અન્યથા આ મામલો આવા વિવાદનું સ્વરૂપ ધારણ જ ન કરે!