Western Times News

Gujarati News

ર૦૦૮ની હીરામાં મંદી પછીની માનસિકતાને કારણે રત્ન કલાકારનો દીકરો ભણીને અનેક ક્ષેત્રે કારકિર્દી બનાવવા લાગ્યો છે.

Files Photo

વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર હીરાઉદ્યોગને થઈ રહી છે. મંદીની અસર હવે હીરાઉદ્યોગ ઉપરાંત અન્ય ધંધા-રોજગાર અને કારીગર વર્ગમાં દેખાવા લાગી છે. ડાયમંડ સિટી સુરતની ચમક ઓછી થવાના અણસાર દેખાય છે.

નાના કારખાના બંધ થવા લાગ્યા છે. મોટી કંપનીઓમાં અઠવાડિયામાં બેથી ત્રણ રજાઓ રાખવામાં આવે છે. ઘણા કારીગરો બેરોજગાર થયા છે અને જેને હજુ કામ મળે છે તેને મજૂરી હવે ઓછી મળે છે. હીરાબજારમાં હજારો હીરાદલાલ ભાઈઓનો ધંધો અત્યારે નહિવત રહ્યો છે. મોટી હીરાફેકટરીઓ ચાલે છે પરંતુ તૈયાર હીરાનો ભાવ સતત ઘટવાને કારણે આર્થિન નુકસાન થઈ રહ્યું છે. યુરોપ, અમેરિકા અને હોંગકોંગની માર્કેટો દિવસે દિવસે ઠપ થતી જાય છે.

તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં ગોલ્ડ આયાત ડયુટીમાં ઘટાડો અને વિદેશથી ઓનલાઈન રફ ખરીદી પરના બે ટકા જેટલી ડયુટી નાબૂદી તથા સુરતમાં મોટેભાગે હીરાના કારખાનામાં વપરાતી ઝોન રફ પરની પાંચ ટકા ડયુટી નાબૂદ થતાં હીરાઉદ્યોગને મંદીમાંથી બહાર આવવાની આશા જાગી છે. તે ઉપરાંત વિદેશી ડાયમંટ ઉત્પાદકો દ્વારા સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાની ઓનલાઈન હરાજી માટે ટેકસના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે.

સુરત ડાયમંડ બુર્સના સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાની ઉપલબ્ધતાથી બુર્સને પણ બુસ્ટ મળશે. હીરાઉદ્યોગ તથા જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રોત્સાહનરૂપ પગલાં છે. પરંતુ તૈયાર હીરાની માંગ ન વધે ત્યાં સુધી ભાવ વધશે નહી. ડિમાન્ડ અને ભાવ વધે તો જ હીરાઉદ્યોગને ફાયદો થશે. મંદી લંબાતી જાય છે. ટૂંક સમયમાં મંદીનું વમળ તૂટે તેવું લાગતું નથી. દિવાળી સુધીમાં તેજીનો અણસાર દેખાતો નથી તેથી હીરાઉદ્યોગ અને હીરાઉદ્યોગ સાથે પરોક્ષ રીતે જોડાયેલા લોકોની ચિંતા વધી રહી છે. હીરાઉદ્યોગની આ લાંબી અને હાર્ડ મંદીના કારણે સુરતની અર્થવ્યવસ્થાને મોટી અસર થશે તે બાબતની ચિંતા અને ચિંતન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

હીરાઉદ્યોગની વર્તમાન મંદીની સૌથી મોટી અસર રોજગારીને પડી રહી છે. અસંખ્ય કારીગરો બેરોજગાર થશે. નાના કારખાનદારો તથા હીરાબ્રોકરો પણ બેરોજગાર થયા છે. મોટી કંપનીઓ થોડું નુકસાન કરીને સમય પસાર કરી કારીગરોને ટકાવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ લાંબી ચાલશે તો તેની અસર સમગ્ર સુરતની અર્થવ્યવસ્થાને થશે અને તેમાં બદલાવ આવશે. મંદીના ઘેરા પ્રત્યાઘાતો આર્થિક ઉપરાંત સામાજિક વ્યવસ્થા પર પણ પડનાર છે.

મંદીની આર્થિક અસરને સમજવી હોય તો હીરાઉદ્યોગ અને વેપારની વ્યવસ્થા સમજવી પડે તેમ છે. હીરાઉદ્યોગમાં હીરાપોલિશિંગમાં સૌરાષ્ટ્રવાસીઓનો મોટો સમૂહ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ ર૦૦૮ની મંદી પછી હીરાના કારીગર એટલે કે, રત્નકલાકાર તરીકે સૌરાષ્ટ્રના પટેલ સમાજના યુવાનો જોડાતા બંધ થઈ ગયા છે અત્યારે જે કારીગર તરીકે પટેલ સમાજના લોકો છે તે લગભગ ૪પ થી પ૦ વર્ષથી મોટી ઉંમરના છે.

ગુજરાત સિવાય પરપ્રાંતના કારીગરોની સંખ્યા ઘણી મોટી છે. હીરાના બ્રોકર તરીકે મોટી સંખ્યા સૌરાષ્ટ્રવાસીઓની છે. ઉત્તર ગુજરાતના લોકો પણ છે. હીરાઉદ્યોગના જે કારખાના બંધ થયા છે, તેના પરપ્રાંતીય કારીગરો ટેકસ્ટાઈલ, જ્વેલરી મેન્યુફેકચરિંગ કે અન્ય ઉદ્યોગના લેબર તરીકે જોડાઈ રહ્યા છે. મૂળ ગુજરાતી કારીગરો ટેકસ્ટાઈલ, વિવિંગ ઉદ્યોગમાં લેબર તરીકે જોડાતા નથી.

આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હીરાઉદ્યોગની ઓફિસોમાં લેઝર, પ્લાનિંગ, એસોટિંગ કે અન્ય ઓફિસમાં કામ કરતા ખૂબ મોટી સંખ્યામાં લોકોનો પગાર ઘટયો છે. તેઓની આર્થિક વ્યવસ્થાની સાઈકલ તૂટી રહી છે. મોટી આવક સાથે ગોઠવાયેલી જીવનશૈલીના કારણે હવે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મકાન-ફલેટના હપતા, બાળકોની ફી અને ઘરના ખર્ચા મોટા હોઈ અને આવક ઘટી.

આ મુશ્કેલી અકળાવનારી બને તેમ છે. હીરાઉદ્યોગની મંદીની અસર હવે અન્ય ધંધા, રોજગાર, વેપાર અને વ્યવસાયને પણ થવા લાગી છે. હીરાઉદ્યોગની આવક સુરતમાં ખર્ચાતી હતી. રોકાણ થતું હતું તે હવે નહિવત થયું છે. પરિણામે નાનો વેપાર કરતાં દુકાનદારો અને સ્વરોજગારેન ગંભીર અસર થવા લાગી છે. રિયલ એસ્ટેટમાં ખાસ કોઈ લેવાલી નથી. પરિણામે બાંધકામ ઉદ્યોગ પણ મંદી અનુભવી રહ્યો છે. મોજ-શોખ અને ખાણી-પીણીના વેપારમાં પણ ૧૦ થી ર૦ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ સુરતની આર્થિક બાબતને પણ મંદીનું ગ્રહણ લાગી રહ્યું છે.

હીરાઉદ્યોગ અને સુરત શહેરે અનેક મંદી જોઈ છે. મંદી પછી તેજી આવતી જ હોય છે. પરંતુ આ વખતે મોટી ઉથલપાથલના અણસાર જોવા મળે છે. પરંતુ દરેક સમસ્યાનો એક ઉકેલ “સમય” છે. સમય એક દવા છે, ફરી નવસર્જન એ કુદરતી નિયમ છે. દરેક મંદીએ બોધપાઠ આપ્યો છે. નવી તકો આપી છે. લોકો જુદા-જુદા રોજગાર તરફ વળ્યા છે.

આવું જ ર૦ર૪ની મંદી સુરતના ઈતિહાસમાં માઈલસ્ટોન બની શકે છે. દરેક મંદીની મુશ્કેલી પછી લોકો નવી દિશા તરફ ફંટાયા જ છે. આપણા વડાપ્રધાનશ્રીએ આપેલું સૂત્ર હંમશા યાદ રાખવું જોઈએ “આફતને અવસરમાં પલટો” આ મુશ્કેલી, આફતમાં નવી તક શોધવી તે તેનો ઉકેલ છે. માત્ર મુશ્કેલીની ચિંતા કરી મોટી કરવાનો અર્થ નથી. જો તેજી લાવી શકાય તેમ નથી તો મુશ્કેલીને કેમ હળવી કરવી ? તેવું વિચારવું જ એક ઉપાય છે.

હીરાઉદ્યોગની હાર્ડ મંદીની ચિંતા થાય તે સ્વાભાવિક છે. સુરતની ચમક થોડો સમય ઘટશે પણ ખરી પરંતુ, સુરત “સુરત” જ રહેવાનું છે. કારણ સુરતનું યુવાધન ખાસ કરીને યંગ ઉદ્યોગ સાહસિકો અનેકવિધ ધંધા વ્ય્વસાય વેપારમાં ખૂબ મોટું કામ કરી રહ્યા છે. સુરતની આવતીકાલની મોટી આશા બની ઉભરી રહ્યા છે. તે સુરતનું ભવિષ્ય છે. ર૦૦૮ની મંદી પછીની માનસિકતાને કારણે રત્નકલાકારનો દીકરો પણ રત્નકલાકાર નથી બન્યો તેના બદલે ભણીને અનેક ક્ષેત્રે કારકિર્દી બનાવવા લાગ્યો છે.

પરિણામે હજારો યુવાનો ટેકસ્ટાઈલ ઉપરાંત આઈ.ટી. એમ્બ્રોડરી, સોલાર, ફર્નિચર, ફૂડ પ્રોસેસિંગ, એલ્યુમિનિયમ, બાંધકામ વગેરે સહિત ધંધા વેપારમાં કામે લાગી ગયા છે. તે ઉપરાંત સીએ, સીએસ, સીએમએ કે એડવોકેટ વગેરે કારકિર્દીમાં પણ નવું જનરેશન કામ કરી રહ્યું છે. મોટાભાગના પરિવારમાં નવું જનરેશન તથા નવા ધંધા વ્યવસાયમાં છે.

તેથી હીરાઉદ્યોગની મંદી અને બેરોજગારી સુરતની આર્થિક મજબૂતાઈને તોડી નહી શકે. સૌરાષ્ટ્રવાસીઓ પાસે સૌરાષ્ટ્રની ખેતી પણ એક વિકલ્પ છે. પરંતુ તે દિશા તરફ લોકોને રસ દેખાતો નથી. હજારો રત્નકલાકારોના પરિવારોના દીકરા કે દીકરીઓ આઈ.ટી. પ્રોફેશનલ તરીકે સુરત ઉપરાંત પુના, બેંગ્લોર, વગેરેમાં સ્થાયી થયા છે. હવે બેગ્લોરમાં એપાર્ટમેન્ટ નીચે બાંકડે સૌરાષ્ટ્રવાસી વડીલો જોવા મળી રહ્યા છે.

જે એક સમયે સુરતમાં રત્નકલાકારો હતા તે આજે બેગ્લોરમાં દેખાય છે. સુરત અને સૌરાષ્ટ્રવાસીઓની તાસીર છે કે, ઝડપથી નવી પરિસ્થિતિ સ્વીકારી લે છે. આથી હીરાઉદ્યોગની મંદીની આફતને અવસરમાં ફેવરી ફરી નવી તકો નવા જીવનમાં ગોઠવાતી જાય છે. બસ.. આ તાકાત જ.. હીરા ઉદ્યોગની મંદીને માત આપી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.