જાણ્યા-અજાણ્યા મહાનુભાવો !
જન્મીને મોક્ષ પામવો કદાચ સહેલો હશે, પણ આવા અનાયાસ મળી જતા મહાનુભાવથી છુટકારો પામવો ઘણો અઘરો છે
જ્યારે જ્યારે મને મારા મિત્રો ઘરમાં, માર્ગમાં, કે રેસ્ટોરાંમાં મળે છે ત્યારે ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. દુશ્મન સામો મળે છે ત્યારે એને જોયો ન હોય તેમ રસ્તો કાતરીને ચાલું છું. પણ દૂરથી કોઈ દુશ્મન પણ નહીં અને મિત્ર પણ નહીં એવો વચલા વર્ગનો સહેજસાજ ઓળખીતો, જેને હું જાણ્યો છતાં અજાણ્યો મહાનુભવ કહું છું, તેને મારા તરફ ધસી આવતો જોઉં છું ત્યારે એના તરફ મને વિશેષ ધૃણા થાય છે. ઉભા ન રહેવું હોય તોય ઉભા રહેવું પડે છે, હાથ ઉંચો ન કરવો હોય તોય કરવો પડે છે
અને રસ્તા વચ્ચે એ રોકી રાખે ત્યાં સુધી મોક્ષ પામવાની રાહ જોવી પડે છે. જન્મીને મોક્ષ પામવો કદાચ સહેલો હશે, પણ આવા અનાયાસ મળી જતા મહાનુભાવથી છુટકારો પામવો ઘણો અઘરો છે અને એ વાતની તો અનુભવથી જ ખાતરી થાય. અદ્ભુત માટીમાંથી ઘડાયેલ આ મહાનુભાવોને તમે ટાળો તોય ના ટળે, અને મળે એવી રીતે કે જાણે કેટલાય જન્મોની ઓળખાણ હોય !
એકવાર હું આણંદના આવકાર રેસ્ટોરાંના સલામત ખૂણામાં બેસી કચોરીની ડીશ મંગાવીને ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક મહાનુભાવ શ્રીયુત અમથાલાલ ભેટી ગયા.
‘કેમ છો ?’ પૂછીને એ મારી પાસે જ બેસી ગયા.
‘સારું છે! એમ કહ્યા વિના, મારો તો શું મારા બાપનો પણ છૂટકો ન હતો.
‘અહો ! એકલા એકલા કચોરી ઉઠાવો છો કે શું ?’
‘હું કાંઈ ચોરી કરીને કચોરી ઉઠાવતો નથી, ભૂખ ઘણી લાગી છે, તે નાસ્તો કરું છું.’
‘હું તો ખાઈને આવ્યો છું, આ તો તમને જોયા એટલે થયું કે મળું,’ ધીરે રહી એક આખી કચોરી ઉઠાવી મોમાં મૂકતાં અમથાલાલ અમથા અમથા વદ્યા. ઘણા વર્ષે મળ્યા, નહીં ? આપણે સાથે ભણતા એવું થોડું થોડું યાદ આવે છે ખરું !’
‘અરે ! આપણે તો એક જ બેન્ચ પર બેસીને ભણ્યા છીએ, ભૂલી કેમ જવાય ? કચોરી સારી બનાવી છે, બીજી ડીશ મંગાવો, ઉડાવીએ ત્યારે.. ઘણે વર્ષે મળ્યા છીએ.’
બે ડીશ કચોરી ઝાપટ્યા પછી એ કહે ઃ ‘ચા પણ પીએ.’
ચા પીધા પછી કહે ઃ ‘આવજો ત્યારે હું અહીં નજીકમાં જ રહું છું.’
‘નજીકમાં ક્યાં ?’ એમ પૂછું તે પહેલા તો હસતાં હસતાં એમણે પ્રયાણ કર્યું.
આવા અમથાલાલ જેવા અમથા મળનારા લોકો ઘણા હોય છે. મળે ત્યારે અડધાઅડધા થઈ જાય. આપણને તો એવો વિશ્વાસ જન્મે કે આ માણસ કેટલો બધો સારો છે અને ખાતરી થાય કે પાંચ-પચાસ ઉછીના જોઈતા હશે તો બીજો નહીં આપે પણ આ તો આપશે જ !પણ રામ તારી માયા. પછી તે બીજા બાર વર્ષે જ દેખાય.
માત્રા મિત્ર ડાહ્યાભાઈએ એમના એક મિત્ર મહેશની મને કઈ દુર્ભાગી પળે ઓળખાણ કરાવેલી તે યાદ નથી, પણ એ મારી પાસેથી બસો રૂપિયા લઈ ગયેલો તે હજી પાછા આપ્યા નથી તે સુપેરે યાદ રહ્યું છે. એ મહાશય રસ્તા વચ્ચે મળેલા.
‘અહો ! તમે છો કે ?’
મે કહેલું ઃ ‘હા, હું જ છું.’
‘આ મળ્યાને. આમ… ક્યાં જાઓ છે ?’
‘આખા વર્ષ માટે તેલના ડબ્બા ભરવા છે, બસો રૂપિયા લેવા જાઉ છું, તમે મળ્યા તે સારું જ થયું. તમે ઓછા કાંઈ ના પાડવાના છો ? ડાહ્યાભાઈ મજામાં છે, હોં !’
મોટા ભાગે તો હું બે-ચાર રૂપિયા જ ગજવામાં રાખું, પણ તે દિવસે એના સદ્ભાગ્યે અને મારા દુર્ભાગ્યે બસો રૂપિયા ગજવામાં પડ્યા હતા અને એમના હાથમાં મેં રૂપિયા મૂકી દીધા.
શ્રીયુત મહેશભાઈ ધીમેથી બોલ્યા ઃ ‘ધન્યવાદ !’
ને ગયા તો ગયા જ ! આજનો દિવસ ને કાલની ઘડી, ફરી દેખાયા જ નથી અને દેખાય છે તો રસ્તાના વળાંક પર વળી જતા દેખાય છે. સામે તો કોઈ વખત ભટકાયા નથી અને હવે મળશે ત્યારે મારી પાસેથી બસો રૂપિયા લીધેલા તે એમની અદભૂત યાદશક્તિ જોતાં વિસ્મૃતિના ગર્ભમાં સમાઈ જશે. ડાહ્યાભાઈએ પરિચય કરાવ્યો અને એનું ફળ મારે ભોગવવાનું આવ્યું. ‘દુશ્મનનો મિત્ર તે દુશ્મન અને મિત્રનો મિત્ર તે મિત્ર’ એમ કોઈ મૂર્ખનંદને જ કહ્યું હશે, પણ મને તો મિત્રનો મિત્ર દુશ્મન જ ગણવો યોગ્ય લાગે છે.
આવા મહાનુભાવો આપણને મળે છે ત્યારે એમના બોલવા-ચાલવાથી આપણે એટલા બધા પ્રભાવિત થઈ જઈએ છીએ કે આપણને એમ જ લાગે કે આ આપણો સગો ભાઈ જ છે. એમ ન લાગે તો ફોઈ, મામી કે કાકીનો દીકરો તો લાગે જ લાગે. આપણા પર એવો ભાવ અને સ્નેહ દર્શાવે કે આપણે ઘડીભર આપણી માત, પ્રિયા કે પત્નીને પણ ભૂલી જઈએ અને આપણને એવી આશા ઉપજે કે આ ભાઈના પિતા સ્વર્ગવાસી થતાં પૈતૃક સંપત્તિમાંથી ભાગ વહેંચાશે ત્યારે એક ભાગ આપણને ખાસ બોલાવી આપવાનું ચૂકશે નહીં !
એકવાર ચલચિત્ર જોઈને હું રસ્તા ઉપર આવ્યો, ત્યાં જ એક ભાઈ સામેથી આવતા જણાયા. તે મંદ મંદ હસતા હતા. મેં આજુબાજુ જોયું કે આ મહાશય
કોની સામે જોઈને હસે છે. મારામાં તો કશું હસવા જેવું રહી ગયું નથી ને, એની પણ મેં તપાસ કરી લીધી. એ ભાઈએ નજીક આવીને મારા જમણા હાથમાં થેલી હોવાથી ડાબો હાથ પકડી જોરથી હલાવ્યો અને બોલ્યા ઃ ‘હલ્લો, ચંદુભાઈ, કાં સિનેમાં જોઈ આવ્યા કે ?’
‘માફ કરજો, મેં આપને ઓળખ્યા નહીં, હું ચંદુભાઈ નથી, પણ જગત મને દીનુભાઈના નામે ઓળખતું થયું છે.’
‘આહ, ચંદુભાઈ તો બીજા, પણ તમારા ને એમનાં ચશ્માં સરખાં છે ઉંચાઈ પણ લગભગ સરખી છે એટલે આવી ભૂલ થઈ ગઈ હશે, પણ મેં તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે.’
મેં કહ્યું ઃ ‘ક્યાં જોયા હોય ? બસમાં, ગાડીમાં, શાકબજારમાં કે રેશનિંગની દુકાને જોયો હશે.’
‘તે કહે ઃ ‘કોલસાગલીને નાકે તમારો પાનનો ગલ્લો છે ને ?’
‘ના રે ! હું તો ત્યાં પાન ખાવા જાઉં છું અને નવરો હોઉં તો એકાદ કલાક ત્યાં બેસું છું ખરો. ’
‘વાહ ! ત્યારે તમને ત્યાં જ જોયેલા. મને થતું કે, આ ભાઈનો ચહેરો મેં ક્યાંક જોયો છે તે સાળું કેમ યાદ આવતું નથી ?’
‘ચાલો પાન ખાઈશું ?’ મારાથી સ્વભાવિક રીતે બોલી જવાયું.
‘તમારી ઓફર મારાથી ઠેલી શકાય તેમ નથી. ચાલો ખાઈ નાખીએ.’ પાન ખાઈને છૂટાં પડતાં એ કહેતા ગયા ઃ ‘હવે આપણે પરીચયમાં આવ્યા. હવે ફરી મળીએ ત્યારે પાન ખવડાવવાનો વારો હોં ! પણ એ મહાશયનો ભેટો હજી થયો નથી. કોલસાગલીના પાનના ગલ્લાવાળાને એ ભાઈનું વર્ણન આપતાં કહે, ‘એ મગાભાઈ હવે અહીં આવતા નથી, એમનું મોટું બિલ બાકી છે.’ પાછા વળતાં હું વિચારવા લાગ્યો કે, આખરે માનવજાત પણ કેટલી બધી મૂર્ખ છે કે ચલચિત્ર જોવા માટે નકામાં પૈસા વેડફે છે. આ સંસારના સ્ટેજ પર જ કેટલાં બધાં પાત્રો પોતાના જીવનના સર્વશ્રેષ્ઠ અભિનયો કરતાં જોવા મળે છે.
નોકરીના સ્થળેથી પાછા ફરતાં મને હંમેશાં એક સદ્ગૃહસ્થ સામા મળે છે. મને જુએ અને હસવાનું શરૂ કરે છે. ખૂબ વિચાર કર્યા પછી પણ એમના હસવાનું કારણ હજી મને સમજાયું નથી. પણ નજીક આવે એટલે અચૂક ઉભા રહે, હું પણ ઉભો રહું.
એ કહે, ‘ઘર તરફ ?’
હું કહું, ‘હા, છૂટકો છે !’
એ કહે, ‘તમે તો કોમર્સમાં ને ?’
હું કહું, ‘ત્યાં જ !’
‘બસ ત્યારે…’ કરી અમે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરીએ છીએ. એ મારા વિષે બીજું કશું જાણતા નથી. મને પણ એમના વિષે વિશેષ જાણવાની જરૂર જણાઈ નથી. એકવાર અમે રસ્તા પર સામસામી દિશામાંથી આવતા હતા અને અથડાઈ પડેલા અને પડતાં પડતાં બચી ગયેલા, એ પરિચય, બાકી અજાણ્યા એટલા કે અમે એકબીજાનાં નામ કે ઠામઠેકાણાં કશું જ જાણતા નથી.
હમણાં જ એક ભાઈનો ભેટો થયો, તેમણે પૂછયું ઃ
‘શું તમે અમદાવાદમાં જ છો ?’
મે કહ્યું, ‘હા, છેલ્લા સોળ વર્ષથી અમદાવાદની ધરતીને મારા પગનો પરિચય છે.’
તે કહે, ‘હું તો ધારતો હતો કે તમે દિલ્હીમાં છો !’
મે કહ્યું, ‘દિલ્હી હજી ઘણું દુર છે, હજી તો પુરું અમદાવાદ પણ જોવાયું નથી.’
તે કહે, ‘બાળકો નેપત્ની મજામાં ને ? કોઈવાર તમારે ત્યાં મારે આવવું છે?
મે કહ્યું, ‘બધાં મજામાં છે. જરૂર આવો, હું અમદાવાદમાં જ રહું છું તેની ખાતરી કરવા ખાતર પણ આવો.’
‘હી…હી…હી…’ કહીને એ ગયા તે ગયા.
થોડા દિવસ ઉપર બીજા એક ભાઈ મળ્યા. તેમણે પૂછ્યું, ‘મને ઓળખો છો કે ?’
મેં કહ્યું, ‘ખાસ યાદ આવતું નથી.’
તે કહે, ‘યાદ કરો.’
મેં કહ્યું, ‘કશું જ યાદ આવતું નથી. કંઈ હોય તો યાદ આવે ને ?’
તે કહે, ‘મારું નામ પ્રવીણ ! હવે યાદ કરો.’
મેં કહ્યું ‘પ્રવીણ…પ્રવીણ’
તે કહે, ‘હા, પ્રવીણ ખાંડવાલા’
મેં કહ્યું, ‘ખાંડવાલા કે લોખંડવાલા મને તો કોઈ યાદ આવતું નથી. સોરી !’
તે કહે, ‘કેમ ? તમારા મિત્ર સુધીરની રૂમ પર હું નહોતો આવતો ? કામિનીની સાથે એફ.વાય.બી.એ.માં હતો ત્યારે..’
‘ઓહ ! ઓળખ્યા ! ક્યાં સળેખડી સરીખડી તે સમયની તમારી દેહયષ્ટિ, અને ક્યાં અત્યારની આ ભીમકાય ! ’ (છેલ્લા શબ્દો, મારી પોતાની સલામતીના સંરક્ષણ માટે મનમાં બોલવા પડેલા)
જેમ સાગરમાં બે કાષ્ટના ટુકડા મળે અને છૂટા પડે તેમ આ સંસારરૂપી સાગરમાં અનેક વ્યક્તિઓ મળે છે, પણ મારી રુચિ અને એમની રુચિમાં આભજમીનનો તફાવત હોય છે. હું સિગારેટને ધિક્કારું છું તો એ ચેઈન સ્મોકર હોય છે; હું વાચન-રસિયો છું, તો એ પુસ્તકો લઈને ફરવામાં જ માને છે; મને સિનેમાનો સાધારણ શોખ છે, તો એ એકની એક ફિલ્મ ચાર વાર જોવામાં રસ ધરાવે છે, જે જાણીતા છે તેઓને મળવાનું ગમે છે, અજાણ્યાઓને મળવાનું આપણે ટાળીએ છીએ. પણ, આ જાણ્યા છતાં અજાણ્યા મહાનુભાવોની જમાત મારો જ નહીં, બીજા અનેકોનો છાલ છોડતી નથી.
કોઈપણ દર્દની દવા તો હોય છે જ, ન હોય તો શોધી કાઢવી જોઈએ.
આવા તેવા જાણ્યા-અજાણ્યા મહાનુભાવો રસ્તામાં મળે ત્યારે સામે ચાલીને ઉત્સાહ ન બતાવવો, મૌનધર્મ પાળવો. મારા એવા અસભ્ય અમાનવીય વર્તનથી એ મારા દુશ્મનો બની જાય તોય શું ? કારણ કે હવે મેં એવો નિર્ણય કર્યો છે કે, મિત્રો રાખવા બે-ચાર, દુશ્મનો ભલે રહ્યા હજાર !