Western Times News

Gujarati News

એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવનાર વેપારી ત્રીજીવાર પકડાશે તો લાયસન્સ સસ્પેન્ડ

વડોદરાના મીઠાઈ-ફરસાણના વેપારીઓ સાથે બેઠક

વડોદરા, વારંવાર તેલમાં ફરસાણ બનાવનાર વેપારી ત્રીજીવાર પકડાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા તરફથી વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.

શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ વિવિધ ધાર્મિક પ્રસંગ આવતા હોવાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના આરોગ્ય વિભાગના શહેરની વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાન ખાતે ફરાળમાં વપરાતી વસ્તુઓ સંબંધિત તપાસ અને સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આજે ફૂડ ઈન્સ્પેકટરોએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ મીઠાઈ અને ફરસાણની દુકાન ખાતે ચેકિંગ શરૂ કર્યું હતું.

ખાસ કરીને શ્રાવણ મહિનામાં ઉપવાસ માટે ઉપયોગમાં લેવાતી ફરાળી વાનગીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાળ વસ્તુ બનાવવા માટે ઘણી વખત રાજગરા લોટની સાથે ઘઉંનો લોટ મિશ્રણ કરી વેપારીઓ પોતાને સસ્તી વસ્તુ પડે તે પ્રકારનો માલ બનાવતા હોય છે જેથી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ખોરાક શાખાના સૂત્રો મુજબ ઘણી વખત વેપારીઓ ખૂબ સસ્તી મીઠાઈ વેચે છે. જેમાં ખાસ કરીને માવો મોંઘો હોવા છતાં માવાની મીઠાઈ સસ્તા ભાવે વેચવામાં આવી રહી છે. ત્યારે માવામાં બરફીનું ભેળસેળ થવાની શકાય અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા દરેક મીઠાઈના વેપારીને એવી પણ તાકીદ કરવામાં આવી છે કે, તમારે ત્યાં વેચાતી મીઠાઈ બરફી કે માવામાંથી બની છે ?

એવું ફરજિયાત દર્શાવવું પડશે. વેપારી પોતાને ત્યાં તૈયાર થતી વસ્તુમાં કલરનો ઉપયોગ કરે છે કે નહીં ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. વેપારી દ્વારા તૈયાર થયેલ ફરસાણ જો વારંવાર એક જ તેલમાં બનાવીને વસ્તુનું વેચાણ થતું હશે તો પ્રથમ વખણ ફરસાણનો નાશ કરવામાં આવશે. બીજી વખત તેને કડક સૂચના આપવામાં આવશે તેમ છતાં એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવતું હોવાના કિસ્સામાં ત્રીજી વખત વેપારીનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.