પાન મસાલાનો પ્રચાર કરનારા સ્ટાર્સ મોત વેચી રહ્યા છેઃ જ્હોન અબ્રાહમ
મુંબઈ, જ્હોન અબ્રાહમ હેલ્થ અને ફિટનેસ બાબતે ડિસિપ્લિન માટે પ્રખ્યાત છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે રેગ્યુલર એક્સરસાઈઝ અને સ્પોટ્ર્સના મહત્ત્વ અંગે જ્હોન અવાર-નવાર વાત કરે છે. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જ્હોન અબ્રાહમે પાન-મસાલાની જાહેરખબર કરનારા સ્ટાર્સ પ્રત્યે રોષ વ્યક્ત કર્યાે હતો.
આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને પ્રમોટ કરનારા સ્ટાર્સ હકીકતમાં મોત વેચી રહ્યા હોવાનું જ્હોન માને છે. જ્હોન અબ્રાહમ પોતાની કરણી અને કથનીમાં કોઈ ફરક રાખવા માગતો નથી. જ્હોને જણાવ્યું હતું કે, હું ઈમાનદારીપૂર્વક જીવતો હોઈશ અને અમલ કરતો હોઈશ તો જ બીજાને સલાહ આપી શકીશ.
આ સ્થિતિમાં જ હું રોલ મોડેલ બની શકું. જાહેરમાં મારી જાતને અલગ રીતે રજૂ કરું અને ખાનગીમાં અલગ વર્તન કરું તો પણ લોકોને ખબર પડવાની જ છે.
ફિટનેસ અંગે વાત કરનારા લોકો જ પાન મસાલાને એન્ડોર્સ કરી રહ્યા હોવા બાબતે જ્હોને જણાવ્યુ હતું કે, તમામ એક્ટર્સ મારા મિત્ર છે અને હું કોઈનું અપમાન કરવા માગતો નથી. હું ક્યારેય મોત નહીં વેચું. આ સિદ્ધાંતની વાત છે. પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૪૫ હજાર કરોડ જેટલું છે. જેનો મતલબ સ્પષ્ટ છે, સરકાર તેને સમર્થન આપે છે અને આ ઉદ્યોગ ગેરકાયદે નથી.
મોત વેચનારા લોકો કઈ રીતે આરામથી રહી શકતા હશે? ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને ઝુંબા કેસરીવાળી જાહેરખબરના કારણે ઘણાં લોકો વખોડી રહ્યા છે. જ્હોને અગાઉ આ પ્રકારની ઓફરને ફગાવી દીધેલી છે. જ્હોનની આગામી ફિલ્મ વેદા ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.SS1MS