Western Times News

Gujarati News

દરિયાકાંઠા વિસ્તારને ક્ષારીય પવનથી સુરક્ષિત કરવા માટે હરિત દીવાલ (Green Wall) નિર્માણ માટે ચેરનું વાવેતર જરૂરી

અમદાવાદ જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી ધોળકા ખાતે કરાઈ-યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ

વૃક્ષારોપણ અને યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે: યોગબોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપુત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે એક પેડ મા કે નામઅભિયાન શરૂ કરી દેશની 140 કરોડ જનતાને વૃક્ષારોપણ માટે આહવાન પાઠવ્યું: પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીન

અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75મા વન મહોત્સવની ઉજવણી – 2024 ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન ધોળકામાં આવેલી રાય યુનિવર્સિટી ખાતે યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપુતના  અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીએ જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે માનવજીવન અસલામતી તરફ જઈ રહ્યું છે.

જેનું મુખ્ય કારણ વૃક્ષોમાં થઇ રહેલો ઘટાડો છે. આજથી 75 વર્ષ પહેલા કૃષિપ્રધાન અને પર્યાવરણીયપ્રેમી ગુજરાતના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ મુન્શીએ વૃક્ષ વાવેતર કરવા માટે આહવાન કરી વન મહોત્સવને લોકોત્સવ તરીકે ઉજવણીની શરૂઆત કરી હતી. જેના અનુસંધાને આજે આપણે 75મો વન મહોત્સવ ઊજવી રહ્યા છીએ. આ વર્ષે  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન ચલાવ્યું છે. તેમના સફળ નેતૃત્વ હેઠળ ગ્રામ્ય વિસ્તારથી લઈને મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગની વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ 1960માં અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લાનો કુલ વિસ્તાર 7170 ચો.કિ.મી. છે.

અમદાવાદ જિલ્લામાં 10593 હેકટર અનામત વન વિસ્તાર તથા 109 હેકટર રક્ષિત વન વિસ્તાર મળી કુલ 10,682 હેકટર જંગલ વિસ્તાર આવેલ છે, આ જંગલ વિસ્તાર મુખ્યત્વે ધોલેરા તાલુકામાં આવેલો છે. સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લોકોને પ્રોત્સાહિત કરવા વિવિઘ યોજનાઓ હેઠળ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો સાથે સંકલન કરી મુલ્યથી તથા વિનામૂલ્યે રોપા પૂરા પાડવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

શિશપાલજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી વર્ષ 2004થી રાજ્યના વિવિધ વિસ્તારોના ધાર્મિક, સાંસ્કૃતિક કે પ્રવાસન સ્થળોને લક્ષ્યમાં લઇને નવતર અભિગમરૂપ સાંસ્કૃતિક વનોની રચના કરીને વન મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં રાજ્યમાં કુલ 22 સાંસ્કૃતિક વનો નિર્માણ પામેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ 2024-25નાં વર્ષમાં જુદા-જુદા તાલુકામાં વન વિભાગ દ્વારા અંદાજિત 140 હેકટરમાં વિવિધ જાતનાં રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જયારે ખેડૂતલક્ષી વાવેતર હેઠળ અંદાજિત 1441 હેકટર વિસ્તારમાં રોપાઓનું વાવેતર કરવામાં આવી રહેલ છે. તથા અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકામાં આવેલ દરિયાકાંઠાનાં વિસ્તારને ક્ષારીય પવનથી સુરક્ષિત કરવા માટે હરિત દીવાલ(Green Wall) બનાવવા માટે ચેર વનસ્પતિનું વાવેતર કરવું જરૂરી છે અને જિલ્લામાં કરવામાં આવી રહ્યુંછે, તેમ તેમણે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને આહવાન કરતાં શિશપાલજીએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ અને યોગને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે અને યોગ કરીને માનવી કાર્બન ડાયોક્સાઇડ છોડે તો વૃક્ષો તેનું ગ્રહણ કરે છે. માટે યોગ અને વૃક્ષારોપણ બંનેને પ્રાધાન્ય આપવું જોઈએ. જો વૃક્ષ ન હોય તો રણ, વૃક્ષ હોય તો રક્ષણ જેથી વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને ગુજરાતને હરિયાળું બનાવીએ, તેમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને લીલી ઝંડી આપી વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 75મા વન મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં વૃક્ષારોપણ થાય તે દિશામાં વન વિભાગ દ્વારા મોટી જહેમત ઉઠાવી સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સતત કટિબદ્ધ છે. તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાંથી પ્રસરી હતી ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી સામે ઓક્સિજન વ્યવસ્થાથી લઈને ગુજરાતના છેવાડાના ગામડા સુધી લોકોને હોસ્પિટલની અને વેક્સિનેશનની સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ જેવી ચિંતાજનક પરિસ્થિતિમાંથી બહાર આવીએ તે માટે ‘ એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરી દેશની 140 કરોડ જનતાને વૃક્ષારોપણ કરવા માટે તેમણે આહવાન કર્યું છે. વૃક્ષ વાવીને તેનું જતન કરવું એ આપણા બધાની નૈતિક ફરજ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ તરીકે અમારે પાંચ ગામ દત્તક લેવાના હોય છે. ત્યારે મેં ધોળકા તાલુકાના પાંચ ગામડાની પસંદગી કરી હતી. ધોળકા તાલુકાના વિકાસલક્ષી કામો માટે સતત કાર્યરત રહ્યો છું, તેમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં રાય યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. અનિલભાઈ તોમરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્યશ્રી કિરીસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબહેન વાઘેલા, ધોળકા તાલુકા પંચાયતના પ્રમુખ, ધોળકા નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, રાય યુનિવર્સિટીના રજીસ્ટર શ્રી લલિતજી IFS વનસંરક્ષક અધિકારી સુશ્રી પ્રિયંકા ગેહલોત, અમદાવાદ પોલીસ અધિક્ષક શ્રી જસપાલસિંહ બારડ, વનરક્ષકના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.